સંભલ જામા મસ્જિદ હિંસા પછી પશ્ચિમ યુપીમાં હાઈ એલર્ટ, ઈન્ટરનેટ-સ્કૂલો બંધ, મૃતકાંક 4
Uttar Pradesh Sambhal Violence: ઉત્તરપ્રદેશના સંભલમાં સ્થિતિ બગડતી જઈ રહી છે. જામા મસ્જિદના સરવેને લઈને અહીં ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક ચાર પર પહોંચી ગયો છે. સ્થિતિને જોતા સમગ્ર પશ્ચિમ યુપીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સંભલમાં ઈન્ટરનેટ હજુ પણ બંધ છે.
શાળા-ઈન્ટરનેટ બંધ કરાયા
માહિતી અનુસાર, સંભલ વિસ્તારની શાળાઓને પણ સોમવારે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ સંભલમાં કોર્ટના આદેશ પર કોર્ટ કમિશનરની ટીમ બીજી વખત શાહી જામા મસ્જિદમાં સર્વે માટે પહોંચી ત્યારે હોબાળો થયો હતો. સવારે લગભગ પોણા નવ વાગ્યાની આસપાસ, ઉગ્રવાદીઓએ પહેલા જામા મસ્જિદની બહાર અને પછી નખાસા વિસ્તારમાં પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો. તેઓએ બંને સ્થળોએ ઓછામાં ઓછા એક ડઝન વાહનોને સળગાવી દીધા હતા.
આ પણ વાંચોઃ યુપીમાં મસ્જિદના સરવેનો હિંસક વિરોધ : 3 મોત, અનેક પોલીસ ઘાયલ
એક ડઝનથી વધુ પોલીસકર્મી ઘાયલ થયા હતા
આ દરમિયાન એસપીના પીઆરઓ, સીઓ અને કોતવાલ સહિત એક ડઝન પોલીસકર્મી ઘાયલ થયા હતા. બીજી તરફ વારંવાર સમજાવવા છતાં પણ ટોળું શાંત ન થતાં પોલીસે વળતો જવાબ આપતા પહેલા ટીયર ગેસના શેલ છોડ્યા અને પછી લાઠીચાર્જ કર્યો. લગભગ અઢી કલાક સુધી ચાલેલી હિંસા દરમિયાન ભીડમાંના ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું.
બે મહિલા સહિત 21 લોકોની અટકાયત
કમિશનર અંજનેય કુમાર સિંહે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે વધુ એક ઘાયલ વ્યક્તિની હાલત ગંભીર છે. પોલીસે બે મહિલાઓ સહિત 21 લોકોની અટકાયત કરી છે.
નોંધનીય છે કે, જામા મસ્જિદની બહાર થયેલા હોબાળા દરમિયાન પોલીસે ભારે સુરક્ષા વચ્ચે કોઈક રીતે સર્વે ટીમને સુરક્ષિત બહાર કાઢી હતી. આ સિવાય લાઉડ સ્પીકર પર લોકોને સમજાવતા જોવા મળ્યા હતાં. પોલીસે લોકોને સમજાવ્યું કે, નેતાઓના ચક્કરમાં પોતાનું ભવિષ્ય ન બગાડો અને માહોલ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.