ટ્રાયલ કોર્ટ કોઈ કાર્યવાહી ના કરે, સંભલમાં શાંતિ જોઈએ : જામા મસ્જિદ વિવાદમાં સુપ્રીમ કોર્ટ
Supreme Court On Sambhal Jama Masjid: સંભલમાં જામા મસ્જિદમાં સરવેને લઇને ભડકેલી હિંસાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલે ટ્રાયલ કોર્ટે મસ્જિદના સરવેની પરવાનગી આપી હતી જેના પર હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ટ્રાયલ કોર્ટ આ મામલે કોઈ કાર્યવાહી ના કરે. આ કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ રહેશે.
તંત્રને આપ્યો નિર્દેશ
સુપ્રીમ કોર્ટે આ સાથે સુનાવણી કરતાં યોગી સરકારને નિર્દેશ આપ્યો હતો કે, 'સંભલમાં શાંતિ સ્થાપિત કરવાની જવાબદારી તમારી રહેશે. બીજી બાજુ મસ્જિદની કમિટીને પણ કાનૂની અધિકારો મળી રહે તે સુનિશ્ચિત કરવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે જિલ્લા કોર્ટને મધ્યસ્થતા કરીને થાળે પાડવા નિર્દેશ આપ્યો છે.'
અરજદારને પૂછ્યું તમે હાઈકોર્ટ કેમ ના ગયા?
સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરતાં અરજદારને સવાલ કર્યો હતો કે આ મામલે તમે હાઇકોર્ટમાં અપીલ કેમ ન કરી? તેની સાથે ટ્રાયલ કોર્ટને સીજેઆઈએ કહ્યું કે જ્યાં સુધી હાઈકોર્ટ તરફથી કોઈ નિર્દેશ આપવામાં ન આવે ત્યાં સુધી આ મામલે કોઈ કાર્યવાહી હાથ ધરાશે નહીં. હવે આ મામલે આગામી 6 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સાથે ટ્રાયલ કોર્ટને 8 જાન્યુઆરી સુધી કોઈ પ્રકારનો આદેશ ન આપવા પણ સૂચન કરાયું હતું.