સંભલમાં 46 વર્ષે રમખાણ પીડિત હિન્દુઓને જમીન પર હક પાછો મળ્યો, મુસ્લિમોના કબજામાં હતી
Sambhal Hindu Families Got Justice After 46 Years : ઉત્તર પ્રદેશના સંભલમાં 1978ના રમખાણો બાદ પલાયન કરીને નીકળી ગયેલા હિન્દુઓને 46 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. SDMએ તેમની 10 હજાર સ્ક્વેર ફૂટ જમીન પર માલિકીનો હક અપાવ્યો છે. રમખાણો બાદથી જ આ જમીન પર મુસ્લિમ પરિવારનો કબજો હતો. જ્યારે સીએમ યોગી આદિત્યનાથે વિધાનસભામાં સંભલ રમખાણોનો ઉલ્લેખ કર્યો ત્યારે પીડિત પરિવારોએ વહીવટી તંત્રને ફરિયાદ પત્ર આપીને જમીન પર માલિકીનો હક અપાવવા માટે વિનંતી કરી હતી.
સંભલમાં 1978ના કોમી રમખાણોમાં પરિવારના એક સભ્યની હત્યા બાદ વિસ્તારમાંથી પલાયન કરી જનારા ત્રણ પરિવારોને 46 વર્ષ પછી ન્યાય મળ્યો છે. જ્યારે 1978ના રમખાણોનો ઉલ્લેખ થયો ત્યારે પીડિત પરિવારોએ પણ વહીવટીતંત્રને ફરિયાદ પત્ર આપીને જમીન પરથી મુસ્લિમોનો કબજો હટાવવા વિનંતી કરી. ત્યારબાદ વહીવટીતંત્ર સક્રિય થયું અને મંગળવારે 46 વર્ષ પછી પરિવારોને 10 હજાર સ્ક્વેર ફૂટ જમીનનો કબજો અપાવવામાં આવ્યો.
સંભલ સદર કોતવાલી વિસ્તારના મોહલ્લા જગતના રહેવાસી તુલસીરામની 1978ના કોમી રમખાણોમાં હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યા બાદ મૃતક તુલસીરામના પરિવાર સાથે અન્ય બે પરિવારો પોતાની સવા બે વીઘા જમીન છોડીને આ વિસ્તારમાંથી પલાયન કરી ગયા હતા. રમખાણો બાદ ન તો મૃતક તુલસીરામનો પરિવાર પરત ફર્યો કે ન તો પલાયન કરનારા પરિવારો પરત ફર્યો. ત્યારબાદ મુસ્લિમોએ મૃતક તુલસીરામ અને અન્ય પરિવારોની જમીન પર કબજો જમાવી લીધો હતો.
કાર્તિકેય મંદિર મળ્યા બાદ રમખાણોનો થયો ઉલ્લેખ
સંભલમાં 14 ડિસેમ્બરના રોજ ખગ્ગુ સરાઈ વિસ્તારમાં કાર્તિકેય મહાદેવ મંદિરના 46 વર્ષ બાદ કપાટ ખોલવામાં આવ્યા અને તયારે સંભલમાં 1978માં થયેલા કોમી રમખાણોનો પણ ઉલ્લેખ થયો અને ઘણા રમખાણોથી પીડિત પરિવારો પણ સામે આવ્યા. જે રમખાણોએ સંભલમાં પરિસ્થિતિને દરેક રીતે બદલી નાખી હતી. 1978ના કોમી રમખાણોનો ઉલ્લેખ વચ્ચે જ પીડિત પરિવારે એસડીએમ વંદના મિશ્રા સાથે મુલાકાત કરી અને જમીનનો કબજો અપાવવા વિનંતી કરી. એસડીએમએ ફરિયાદી પીડિત પરિવાર પાસેથી દસ્તાવેજો મંગાવ્યા અને તેની તપાસ કરી.
કબજા વાળી જમીન પર સ્કૂલ ચાલી રહી હતી
ત્યારબાદ મંગળવારે એસડીએમ વંદના મિશ્રા અને અધિક પોલીસ અધિક્ષક શ્રીશચંદ્ર પોલીસ ફોર્સ અને મહેસૂલ વિભાગની ટીમ સાથે પીડિત પરિવાર ઘટનાસ્થળે પહોંચ્યા તો ત્યાં એક સ્કૂલ કાર્યરત હતી અને નજીકમાં થોડી જગ્યા ખાલી પડી હતી. ત્યારબાદ એસડીએમ વંદના મિશ્રાએ પીડિત પરિવારોના દસ્તાવેજો પ્રમાણે મહેસૂલ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક જમીનની માપણી કરાવી અને તાત્કાલિક જ કબજો અપાવ્યો. વહીવટી ટીમે 1978ના રમખાણોથી પીડિત પરિવારોને 46 વર્ષ પછી કબજો અપાવવા માટે જમીનની માપણી કરીને ચૂનાથી ચિહ્નિત પણ કરી દીધું.
પીડિત પરિવારોએ શું કહ્યું?
પીડિત પરિવારની એક મહિલા આશા દેવીએ જણાવ્યું કે, અમારી અહીં સવા બે વીઘા જમીન છે અને જ્યારે 1978ના રમખાણો થયા ત્યારે અમે આ જમીન છોડીને પલાયન કરી ગયા હતા. અમે આ અંગે વટીવટી તંત્રને ફરિયાદ કરી હતી અને આજે અમને જાણવા મળ્યું કે, અમારી જમીનની માપણી થઈ રહી છે તેથી અમે પણ અહીં ઘટના સ્થળ પર આવ્યા. રમખાણો બાદથી આ જમીન પર મુસ્લિમોનો કબજો હતો અને અમે જ્યારે પણ આ જમીન જોવા માટે આવતા હતા ત્યારે તે લોકો અમને અહીં સ્કૂલ છે એમ કહી ભગાડી દેતા હતા.
બીજી તરફ અમરેશ કુમારે જણાવ્યું કે, જ્યારે 1978ના રમખાણો થયા ત્યારે અમારા દાદા તે રમખાણોમાં માર્યા ગયા અને ત્યારબાદ અમે અહીંથી પલાયન કરી ગયા હતા. અમે જ્યારે પણ અહીં આવ્યા ત્યારે અમને અહીંથી ભગાડી દેવામાં આવ્યા, પણ હવે અમને જમીન પાછી મળવાની આશા જાગી છે.
એસડીએમએ શું જણાવ્યું?
એસડીએમ વંદના મિશ્રાએ જણાવ્યું કે, પીડિત પરિવાર દ્વારા આ મામલાના સંદર્ભમાં ફરિયાદ પત્ર આપવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે અમારી જમીન પર શાળા સમિતિના લોકોએ ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો છે. ત્યારબાદ સ્થળ પર પહોંચીને માપણી કરી તો તે સાચું હોવાનું સામે આવ્યું અને તે તેમની જમીન તેમની જ નીકળી રહી હતી. ત્યારબાદ પીડિત પરિવારને સ્થળ પર બોલાવવામાં આવ્યા અને કબજો આપવામાં આવ્યો. કુલ 15 હજાર સ્ક્વેર ફૂટ જમીન હતી, જેમાંથી 10 હજાર સ્ક્વેર ફૂટ જમીનનો કબજો અપાવી દીધો છે.