બેકાબૂ ટ્રકે 3 વિદ્યાર્થીનીઓને કચડી નાખતાં હડકંપ, 2નાં ઓન ધ સ્પોટ મૃત્યુ, એકની હાલત ગંભીર
Image Source: X
Samastipur Road Accident: સમસ્તીપુરમાં બેકાબૂ ટ્રકે ત્રણ સ્કૂલની વિદ્યાર્થીનીઓને કચડી નાખી છે, જેમાંથી બે વિદ્યાર્થીનીઓનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. આ ગમખ્વાર અકસ્માતથી હડકંપ મચી ગયો છે. આ મામલો મુસરીઘરારી પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેહપુર NH 28નો છે, જ્યાં શનિવારે સવારે સ્કૂલ જઈ રહેલી વિદ્યાર્થીનીઓને એક તેજ રફ્તાર ટ્રકે કચડી નાંખી હતી. આ ઘટનામાં બે વિદ્યાર્થીનીઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે અને એક વિદ્યાર્થીનીની હાલત ગંભીર છે. ઘાયલ વિદ્યાર્થીનીની પ્રાઈવેટ ક્લિનિકમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ તેમની સાથે જઈ રહેલી ચોથી વિદ્યાર્થીની માંડ-માંડ બચી છે.
મૃતક વિદ્યાર્થીનીઓની ઓળખ તાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેહપુર પંચાયત વોર્ડ નંબર 8ના નિવાસી બ્રહ્મદેવ સિંહની પુત્રી સ્વાતિ પ્રિયા, રાજેશ કુમાર સિંહની પુત્રી કૃતિકા કુમારી તરીકે થઈ છે. જ્યારે ઘાયલ વિદ્યાર્થીની ઓળખ કૃષ્ણદેવ સિંહની પુત્રી મીના કુમારી તરીકે થઈ છે.
ચોથી વિદ્યાર્થીની માંડ-માંડ બચી
પ્રાપ્ત માહિતી પ્રમાણે ચાર બાળકીઓ એકસાથે સરકારી એડવાન્સ મિડલ સ્કૂલ ફતેહપુર નવકાટોલ જઈ રહી હતી. આ દરમિયાન મુસરીઘરારીથી મુઝફ્ફરપુર તરફ તેજ ગતિએ જઈ રહેલા એક ટ્રકે તમામને કચડી નાખી. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. જ્યારે એક બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે. જ્યારે આ અકસ્માતમાં ચોથી વિદ્યાર્થીની માંડ-માંડ બચી છે. આ અકસ્માત બાદ ત્યાં હાજર લોકોએ પીછો કરીને ભાગી રહેલા ટ્રક ડ્રાઈવરને પકડી લીધો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા ટોળાએ ડ્રાઈવરને ખૂબ માર માર્યો હતો.
પોલીસે મૃતદેહ જપ્ત કર્યા
બીજી તરફ ઘટનાની સૂચના મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસ સ્ટેશનની પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ડ્રાઈવરને પોતાની કસ્ટડીમાં લઈ તાજપુર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો છે. આ અંગે મુસરીઘરારી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મો. ફૈઝુલ અંસારીએ જણાવ્યું કે, ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે. ડ્રાઈવરને ઇજા થતાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતક વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. પોલીસ આગળની કાર્યવાહીમાં વ્યસ્ત છે.