UP પેટા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટીએ 6 ઉમેદવારોની યાદી જાહેર કરી, કરહલથી તેજ પ્રતાપ યાદવ ચૂંટણી મેદાનમાં
Image Source: Twitter
UP By Election: સમાજવાદી પાર્ટીએ યુપીમાં યોજાનારી પેટા ચૂંટણી માટે 6 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. પાર્ટીએ કરહલ વિધાનસભા બેઠક પર તેજ પ્રતાપ યાદવને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પરથી સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી થઈ ગઈ હતી. આવી જ રીતે સિસમાઉ વિધાનસભા બેઠક પરથી નસીમ સોલંકી, ફુલપુરથી મુસ્તફા સિદ્દીકી, મિલ્કીપુરથી અજીત પ્રસાદ, કટેહરીથી શોભાવતી વર્મા અને મંઝવા વિધાનસભા બેઠક પરથી ડૉ. જ્યોતિ બિંદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
10 વિધાનસભા બેઠકો પર થશે પેટા ચૂંટણી
યુપીની 10 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થશે જેના માટે તમામ પાર્ટીઓએ તૈયારીઓ કરી લીધી છે. સપાએ બીજી ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર ન કરવાને કારણે કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે પેટાચૂંટણીમાં કોંગ્રેસે સપા પાસે પાંચ બેઠકોની માગણી કરી હતી, પરંતુ છ સીટો પર ઉમેદવારોની જાહેરાત કરવાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે સપાએ કોંગ્રેસની ફોર્મ્યુલા સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે.
સપાની યાદીમાં પરિવારવાદને મહત્વ
સપાએ 6 ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે તેમાં પરિવારવાદને મહત્વ આપવામાં આવ્યું છે. અખિલેશે કરહલથી પોતાના પરિવારના સભ્ય તેજ પ્રતાપને ઉમેદવાર બનાવ્યા છે. ફૈઝાબાદ (અયોધ્યા)ના સાંસદ અવધેશ પ્રસાદના પુત્ર અજીતને મિલ્કીપુરથી ટિકિટ આપવામાં આવી છે.
સિસમાઉ બેઠક પર ઈરફાન સોલંકીની પત્ની નસીમ સોલંકીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. લાલજી વર્મા પરિવારની શોભાવતીને કટેહરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આવી જ રીતે ફુલપુરથી ચૂંટણી લડી ચૂકેલા મુસ્તફા સિદ્દીકીને ફરીથી ટિકિટ આપવામાં આવી છે.
ડૉ. જ્યોતિ બિંદને મંઝવાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અખિલેશે ટિકિટ વહેંચણીમાં પીડીએ ફોર્મ્યુલાનું પણ ધ્યાન રાખ્યું છે. 2 મુસ્લિમ, 2 ઓબીસી, એક દલિત અને એક અતિ પછાતને ટિકિટ આપવામાં આવી છે.