સપાના વધુ એક નેતા પર દુષ્કર્મનો આરોપ, પોલીસે કરી ધરપકડ, સરકારે બુલડોઝર ફેરવ્યું
Image: Facebook |
Samajwadi Party leader Arrested In Rape Case: ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના વધુ એક નેતા પર દુષ્કર્મનો આરોપ મૂકાયો છે. પ્રદેશના પૂર્વ સચિવ અને મઉ બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ વિરેન્દ્ર બહાદુર પાલ વિરૂદ્ધ દુષ્કર્મ મામલે એફઆઈઆર નોંધાઈ છે. સપા નેતાની મહિલા સહયોગીએ જ દુષ્કર્મની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાનો આરોપ છે કે, વીડિયો અને ફોટો બનાવી તેના પર એક વર્ષ સુધી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
મઉ બાર એસોસિએશનના બે વખત અધ્યક્ષ રહી ચૂકેલા વીરેન્દ્ર બહાદુર પાલ પર તેની સહયોગી મહિલાએ દુષ્કર્મનો આરોપ મૂક્યો હતો. આ મામલે મઉ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં કલમ 115 (2), 351 (2), 352, 123 અને 64 (2) (એમ) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પીડિત મહિલાનો આરોપ છે કે, સપા નેતાએ છેલ્લા એક વર્ષથી ફોટો અને વીડિયો બનાવી તેની સાથે જબરદસ્તી શારિરિક સંબંધ બાંધ્યા છે.
મઉ પોલીસે આ મામલે શું કહ્યું?
મઉના સીઓ અંજની કુમાર પાંડેએ જણાવ્યું કે, એક પીડિતાએ વીરેન્દ્ર બહાદુર પાલ વિરૂદ્ધ કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને મારપીટની ફરિયાદ નોંધાવી છે. જેના પગલે 7 સપ્ટેમ્બરે કેસ નોંધવામાં આવ્યો હતો, ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે, આરોપી વકીલ છે, અને ગત છ સપ્ટેમ્બરે તેની ચેમ્બરમાં પીડિતાને બોલાવી મારપીટ કરી હતી. વધુમાં જુના સત્યો ઉજાગર ન કરવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સપાના અન્ય બે નેતાઓએ પણ દુષ્કર્મ કર્યુ
અયોધ્યા અને કન્નોજમાં સપાના બે નેતાઓ વિરૂદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેેમાં કલંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, એક સગીરા પર દુષ્કર્મ કરી આરોપીઓએ વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં લાંબા સમય સુધી તેને બ્લેકમેઈલ કરી વારંવાર દુષ્કર્મ કરી રહ્યા હતા. સગીરા બે મહિનાથી ગર્ભવતી થતાં આ વાત બહાર આવી હતી અને ઘટનાનો ખુલાસો થયો હતો. શરૂઆતમાં પોલીસે કોઈ કાર્યવાહી હાથ ધરી ન હતી. પરંતુ નિષાદ પાર્ટીના લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં પોલીસે સપાના ભદરસા નગર અધ્યક્ષ મોઈદ ખાન અન તેની બેકરી પર કામ કરનાર રાજુની ધરપકડ કરી હતી. વધુમાં, મોઈદ ખાનની ગેરકાયદે જમીન પર બાંધવામાં આવેલી બેકરી પણ તોડી પાડી હતી.
કનોજમાં નવાબ સિંહ પર પણ દુષ્કર્મનો આરોપ
કનોજમાં પણ એવો જ એક કેસ નોંધાયો છે, જ્યાં સપા નેતા અને પૂર્વ બ્લોક પ્રમુખ નવાબ સિંહ યાદવ પર સગીરા પર દુષ્કર્મનો આરોપ મૂકાયો છે. સગીરાનો આરોપ છે કે, તેને નોકરી આપવાના બહાને બોલાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 11 ઓગસ્ટની રાત્રે પૂર્વ બ્લોક પ્રમુખ નવાબ સિંહ યાદવ પર દુષ્કર્મનો આરોપ મૂકાયો હતો. પોલીસે પીડિતાની ફોઈની પણ 21 ઓગસ્ટના રોજ ધરપકડ કરી હતી. પીડિતાની આરોપમાં સામેલ ફોઈએ જણાવ્યું હતું કે, તે નવાબ સિંહને પાંચ-છ વર્ષથી ઓળખે છે, અને બંને વચ્ચે શારિરિક સંબંધ છે. નવાબસિંહના નજીકના સંબંધીના કોલ્ડ સ્ટોરેજની ગેરકાયદે દિવાલ પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.