સમાજવાદી પાર્ટી દલિત વિરોધી છે: CM યોગીનો મોટો આરોપ
- આજે જે વિકાસના કામો થઈ રહ્યા છે તે અગાઉ નહોતા થયા: CM યોગી
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 14 માર્ચ 2024, ગુરૂવાર
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે. ગેસ્ટ હાઉસ કાંડનો ઉલ્લેખ કરતા તેમણે સમાજવાદી પાર્ટીને દલિત વિરોધી ગણાવી છે. અંબેડકર નગરમાં એક કાર્યક્રમ દરમિયાન સીએમ યોગીએ કહ્યું કે જ્યારે સંવેદનશીલ સરકાર હોય છે ત્યારે તે કોઈપણ ભેદભાવ વિના તમને લાભ આપે છે. આજે જે વિકાસના કામો થઈ રહ્યા છે તે અગાઉ નહોતા થયા. જ્યારે તમે ડબલ એન્જિનની સરકાર બનાવી ત્યારે તેની અસર સ્પષ્ટ દેખાય રહી છે. તેમણે કહ્યું કે સપા, બસપા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવી શકી હોત, સપા તો તમારા જિલ્લાનું નામ પણ હટાવી દેવા માગતી હતી. સમાજવાદી પાર્ટી દલિત વિરોધી છે. આ જ સમાજવાદી પાર્ટી છે જેણે ગેસ્ટ હાઉસ કાંડ કર્યો હતો.... આજે ભગવાનના ભક્તોને આવાસ મળ્યુ અને ત્યારબાદ તેમને ભગવાનના દર્શન પણ કરાવી દીધા.
समाजवादी पार्टी दलित विरोधी है... pic.twitter.com/FVaP1Nf0fg
— Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) March 14, 2024
મુખ્યમંત્રીએ કહ્યું કે, સારી સરકાર સુરક્ષા, સમૃદ્ધિ અને લોકકલ્યાણનું કામ કરે છે. તમે છેલ્લા 10 વર્ષમાં બદલાઈ રહેલા ભારતને જોયુ છે. તેમણે કહ્યું કે, પહેલા દેશમાં ઓળખનું સંકટ હતું, વિશ્વમાં સમ્માન નહોતું મળી રહ્યું. દેશ આતંકવાદ, નક્સલવાદની ઝપેટમાં હતો. આજે 10 વર્ષોમાં સુરક્ષા સમ્માન અને આજીવિકાની સુરક્ષા થઈ રહી છે. અને અયોધ્યામાં આસ્થાનું સમ્માન થઈ રહ્યું છે.
સરકારી યોજનાઓના લાભ કોઈપણ ભેદભાવ વગર મળી રહ્યા છે: CM યોગી
તેમણે સભામાં કહ્યું કે, જો ડબલ એન્જિનની સરકાર ન બની હોત તો શું 56 લાખ ગરીબોને મકા મળી શક્યા હોત? સપા, બસપામાં આ થઈ શક્યું હોત? આજે રાજ્યમાં 15 કરોડ લોકોને મફત રાશન અને માલિકીના અધિકારો આપવામાં આવી રહ્યા છે. આજે સરકારી યોજનાઓના લાભ કોઈપણ ભેદભાદ વિના આપવામાં આવી રહ્યા છે.
સીએમએ કહ્યું કે આજે અંબેડકર નગરમાં 6 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે એનો અર્થ એ કે, 10 હજાર લોકોને સીધો રોજગાર મળશે. જ્યારે સરકારમાં બેઠેલા લોકો માત્ર પરિવાર વિશે જ વિચારે છે, ત્યારે જ ગરીબોની યોજનાઓ લૂંટાય છે. આજે પીએમ મોદી કહે છે કે 140 કરોડની જનતા જ મારો પરિવાર છે.