ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી 'નેતાજી' મુલાયમ સિંહ યાદવનું નિધન
- છેલ્લા કેટલાક દિવસોથી મુલાયમસિંહ યાદવ ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ હતા
નવી દિલ્હી, તા. 10 ઓક્ટોબર 2022, સોમવાર
સમાજવાદી પાર્ટીના સ્થાપક અને દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન થઈ ગયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. 83 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમને અનેક બીમારીઓ હતી. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ હતી. આ દરમિયાન ડોક્ટરોએ જણાવ્યું હતું કે, મુલાયમસિંહ યાદવની કિડનીમાં ઈન્ફેક્શન છે અને તેમનું ક્રિએટનિન લેવલ વારંવાર ખોરવાઈ રહ્યુ છે.
છેલ્લા કેટલાક દિવસોથી મુલાયમસિંહ યાદવ ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ હતા અને તેઓ લાઈફ સેવિંગ ડ્રગ્સ પર હતા. તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા. ડોકટરોની વિશેષ ટીમ તેમના પર નજર રાખી રહી હતી. શનિવારે પૂર્વ સીએમ અખિલેશ યાદવ પિતાની તબિયત જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.
મુલાયમ સિંહ યાદવના નિધનથી દેશભરમાં તેમના સમર્થકો અને રાજકીય-સામાજિક કાર્યકર્તાઓમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. મુલાયમ સિંહ યાદવના નિધનને રાજકારણની સૌથી મોટી ક્ષતિ ગણી શકાય છે.
મુલાયમ સિંહ યાદવના પુત્ર અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે એક ટ્વિટ દ્વારા નેતાજીના મૃત્યુની પુષ્ટિ કરી છે. અખિલેશે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું- મારા આદરણીય પિતાજી હવે નથી રહ્યા.
મુલાયમ સિંહના નિધન પર પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ લખ્યું કે, મુલાયમ સિંહ યાદવ જમીન સાથે જોડાયેલા નેતા હતા.
છેલ્લા ઘણા દિવસોથી મુલાયમ સિંહના સ્વાસ્થ્યને લઈને દેશભરમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ સહિત દેશની તમામ રાજકીય હસ્તીઓ તેમના સ્વાસ્થ્યની ખબર લઈ રહી હતી. મુલાયમ સિંહ યાદવ 22 ઓગસ્ટથી મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. મુલાયમ 1967માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. તેઓ 8 વખત ધારાસભ્ય અને 7 વખત સાંસદ રહી ચૂકયા હતા. તેઓ યુપીના ત્રણ વખત મુખ્યમંત્રી અને બે વખત કેન્દ્રમાં મંત્રી રરી ચૂક્યા હતા. દેશના સંરક્ષણ પ્રધાન તરીકે મુલાયમ સિંહ યાદવે સરહદ પર જઈને સેનાના દિલ જીતી લીધા હતા.