સપા સાંસદ રામ ગોપાલ યાદવે CJIને કહ્યા અપશબ્દ, ભારે વિવાદ બાદ કરી સ્પષ્ટતા
Samajwadi MP Ram Gopal Yadav: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રામગોપાલ યાદવે દેશના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડને અપશબ્દો કહ્યા છે. જ્યારે સાંસદને અયોધ્યા વિવાદના સંદર્ભમાં તાજેતરની ચીફ જસ્ટિસની 'ભગવાનને પ્રાર્થના' વાળી ટિપ્પણી અંગે પૂછવામાં આવ્યું તો તેમણે CJI વિરુદ્ધ અપશબ્દનો ઉપયોગ કર્યો, રામગોપાલ યાદવના આ નિવેદન પર હવે વિવાદ ઊભો થઈ ગયો છે. હવે તેમના આ વિવાદાસ્પદ નિવેદન પર સત્તારુઢ પાર્ટી અને વિપક્ષના તમામ નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
જો કે ટીકાનો સામનો કર્યા બાદ રામગોપાલે પોતાના નિવેદનથી પલટી મારતા દાવો કર્યો કે, મને કોઈએ ચીફ જસ્ટિસ અંગે કંઈ નહોતું પૂછ્યું. હકીકતમાં ઘટના એમ છે કે CJI ડીવાય ચંદ્રચૂડે બાબરી વિવાદ ચુકાદા પર કરેલી ટિપ્પણી પર રામગોપાલ યાદવને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે મારે કોઈ ટિપ્પણી નથી કરવી. જ્યારે તમે ભૂતોને જીવતા કરો છો, મૃતદેહોને જીવતા કરો છો ત્યારે તે ભૂત બની જાય છે અને જસ્ટિસની પાછળ પડી જાય છે. હવે શું છે, તમને હજું પણ બાબરી મસ્જિદ અને મંદિર દેખાઈ રહ્યા છે. અરે છોડો, આ બધા એવી રીતે વાત કરે છે તો શું મારે તેમને સંજ્ઞાનમાં લેવા જોઈએ.'
રામગોપાલ યાદવે બહરાઈચ ઘટના અંગે કહ્યું કે, અહીં કોઈ સાંપ્રદાયિક રમખાણો નથી થયા પરંતુ રમખાણો કરાવવામાં આવ્યા છે. ત્યારબાદ જ્યારે તેમને આ વિવાદાસ્પદ નિવેદન પર સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું તો તેમણે મેં આવું કોઈ પણ નિવેદન આપ્યું હોવાનો ઈનકાર કર્યો અને તર્ક આપ્યો કે મને બહરાઈચ હિંસા પર પ્રતિક્રિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું.
CJI પર કોઈ ટિપ્પણી નથી કરી..
સાંસદે ચીફ જસ્ટિસ અંગેના પોતાના વિવાદાસ્પદ નિવેદન પર પણ પલટી મારતા કહ્યું કે, કોઈએ મને સીજેઆઈ અંગે નહોતો પૂછ્યું. સીજેઆઈ ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, હું ક્યારેય પણ તેમના પર કોઈ ટીપ્પણી નહીં કરું. મને બહરાઈચ હિંસા અંગે પૂછવામાં આવ્યું હતું અને મેં તેનો જવાબ આપ્યો હતો.
આ સમગ્ર વિવાદ પર પ્રતિક્રિયા આપતા સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે મને મારા કાકાના આ વિવાદાસ્પદ નિવેદન અંગે કોઈ જાણકારી નથી.અમે બધા ચીફ જસ્ટીસનું સન્માન કરીએ છીએ.
આ પણ વાંચો: હું ભગવાન સામે બેસી ગયો અને...' CJIએ બાબરી મસ્જિદ વિવાદના ચુકાદાની કહાણી સંભળાવી
ભાજપે સભા પર સાચું નિશાન
ભાજપ નેતા શાહનવાજ હુસૈને સીજેઆઈ પર સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામગોપાલ યાદવના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી તો આવી જ વાતો કરે છે. રમખાણો વાળી પાર્ટી આવા જ નિવદનો આપે છે. તેમનું કામ જ લોકોને ભડકાવવાનું અને રમખાણો કરાવવાનું છે. સમાજવાદી પાર્ટીના રાજમાં રમખાણો થતા હતા. અમે તો સમાજવાદી પાર્ટીના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે.