'મૃત્યુ બાદ અડધી સંપત્તિ લોકોને...' સામ પિત્રોડાની 'વારસાગત ટેક્સ'ની ભલામણથી નવી ચર્ચા છંછેડાઈ
Lok Sabha Elections 2024: મંગળસૂત્ર, સંપત્તિ વિવાદ અંગે વડાપ્રધાન મોદીની ટિપ્પણી બાદથી રાજકારણ ગરમાયું છે. હવે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ (Congress)ના અધ્યક્ષ સામ પિત્રોડાએ સંપત્તિ વિતરણ અંગે અમેરિકાના શિકાગોમાં એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે.
શું બોલ્યાં સામ પિત્રોડા...?
કોંગ્રેસ નેતા પિત્રોડાએ કહ્યું કે અમેરિકામાં વારસાગત ટેક્સ વસૂલાય છે. જો કોઈની પાસે 100 મિલિયન ડૉલરની સંપત્તિ હોય અને તે મૃત્યુ પામી જાય તો તે ફક્ત 45 ટકા જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે. જોકે તેમના આ નિવેદન પર વિવાદ થતાં તેમણે કહ્યું કે મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહી છે.
કાયદો શું કહે છે...?
તેમણે કહ્યું કે 55 ટકા સંપત્તિ સરકાર દ્વારા લઈ લેવામાં આવે છે. આ એક રસપ્રદ કાયદો છે. કાયદો કહે છે કે તમે તમારા જીવન દરમિયાન સંપત્તિ કમાઇ અને હવે તમે જઇ રહ્યા છો, તમારે તમારી સંપત્તિથી અડધો હિસ્સો પ્રજા માટે છોડવો જોઈએ. આ નિષ્પક્ષ કાયદો મને સારો લાગે છે.
ભાજપ નેતાને પડ્યો વાંધો
સામ પિત્રોડાના આ નિવેદન સામે ભાજપના નેતા અને આઈટી સેલના વડા અમિત માલવીયએ વાંધો ઊઠાવતાં કહ્યું કે કોંગ્રેસ ભારતને બરબાદ કરી નાખવા માગે છે. સામ પિત્રોડા સંપત્તિ વિતરણ (Inheritance Tax in India) માટે 50 ટકા વારસાગત ટેક્સ વસૂલવાની ભલામણ કરી રહ્યા છે. તેનો અર્થ એ છે કે આપણે પોતાની મહેનત અને ધંધાથી જે કંઇ કમાઈશું તેના 50 ટકા છીનવી લેવાશે. આ ઉપરાંત જો કોંગ્રેસ જીતશે તો આપણે જે ટેક્સ આપીએ છીએ તે પણ વધી જશે.