'દક્ષિણના લોકો આફ્રિકન અને પૂર્વના ચીની જેવા દેખાય છે', સામ પિત્રોડાના વધુ એક નિવેદનથી વિવાદ
Image : IANS |
Sam Pitroda's Racist Remark Stirs Controversy: લોકસભા 2024ની ચૂંટણીના પ્રચાર દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શક્યા નથી અને બેફામ નિવેદન આપી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સામ પિત્રોડાના નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. ત્યારે હવે વધુ એક નિવેદનથી ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસ નેતાના શબ્દોથી નવો વિવાદ ઉભો થયો
કોંગ્રેસ નેતા (Congress Leader)એ દેશમાં વિવિધતાની વાત કરતા સમયે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતાએ કહ્યું કે 'આ દેશ ખૂબ જ વૈવિધ્યસભર છે, બધા એક સાથે પ્રેમથી રહે છે.' પરંતુ તેણે દેશને મેસેજ આપવા માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તેને લઈને નવો વિવાદ ઉભો થયો છે. સામ પિત્રોડા (Sam Pitroda)એ કહ્યું કે 'આપણા દેશમાં પૂર્વના લોકો ચીની જેવા, પશ્ચિમના લોકો આરબ જેવા અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી, આપણે બધા ભાઈ-બહેનની જેમ રહીએ છીએ.'
સામ પ્રિત્રોડાના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા
સામ પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કોંગ્રેસ પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી પોતાને સંપૂર્ણપણે દૂર કરી દીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે 'સામ પિત્રોડા દ્વારા પોડકાસ્ટમાં ભારતની વિવિધતા દર્શાવવા માટે કરવામાં આવેલી સરખામણી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ સામ્યતાઓથી પોતાને સંપૂર્ણપણે અલગ કરે છે.'
ભાજપે ફરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા
સામ પિત્રોડાના આ નિવેદન બાદ ભાજપ (BJP)એ ફરી કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું કે 'કોંગ્રેસની વિચારધારા દેશના ભાગલા પડાવવાની છે.' ઉલ્લેખનીય છે કે અગાઉ પિત્રોડાએ વારસાઈ ટેક્સનો પણ ઉલ્લેખ કરીને કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી હતી. અગાઉ કોંગ્રેસ નેતા પિત્રોડાએ કહ્યું હતું કે 'અમેરિકા (America)માં વારસાગત ટેક્સ ચાલે છે, જેમાં જો કોઈની પાસે 100 મિલિયન ડૉલરની સંપત્તિ હોય તો તેના મૃત્યુ પછી 45 ટકા સંપત્તિ તેના બાળકો પાસે જાય છે જ્યારે 55 ટકા સરકાર લઈ લે છે.' જોકે તેમના આ નિવેદન પર વિવાદ થતાં પિત્રોડાએ કહ્યું કે મારી વાતને તોડી મરોડીને રજૂ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : વારસાગાત ટેક્સ પર સામ પિત્રોડાનું નિવેદન