આ તો ટ્રેલર હતું...: સલમાન ખાનના ઘર પર હુમલાની જવાબદારી લૉરેન્સના ભાઈએ લીધી, ફરી ધમકી આપી
Image Social Media |
Salman Khan House Firing: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં થયેલા ગોળીબારની પોલીસ હજુ તપાસ કરી રહી છે, ત્યારે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈએ હુમલાની જવાબદારી લીધી છે. અનમોલ બિશ્નોઈએ રવિવારે બપોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સવારે લગભગ 5 વાગ્યે અભિનેતાના ઘરની બહાર થયેલા ફાયરિંગની જવાબદારી લીધી છે. આટલું જ નહીં અમેરિકામાં મૌજુદ અનમોલે આ સાથે સલમાન ખાનને ધમકી પણ આપી છે. તેણે લખ્યું છે કે, આ પહેલી અને છેલ્લી ચેતવણી હતી, બીજી વખતે ઘર પર ગોળીબાર કરવામાં નહીં આવે.
બે અજાણ્યા શખ્સોએ મોટરસાઈકલ પર આવીને ગોળીબાર કર્યો હતો
સુપરસ્ટાર સલમાન ખાનના મુંબઈમાં આવેલા ઘરની બહાર રવિવાર સવારે બે અજાણ્યા શખ્સોએ મોટરસાઈકલ પર આવીને ગોળીબાર કર્યો હતો. તે પછી તરત જ ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. હાલમાં સલમાન જ્યા રહે છે, તે ગેલેક્સી એપાર્ટમેન્ટ મુંબઈના બાંદ્રામાં આવેલું છે.
ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સલમાન ખાન સાથે ફોન પર વાત કરી અને તેમને સુરક્ષાની ખાતરી આપી હતી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈ પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી અને સલમાન ખાનની સુરક્ષા વધારવાનું સૂચન કર્યું. દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેંસિક ટીમે વધુ તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફેટેઝ પણ ચેક કરી રહી છે.
અનમોલ બિશ્નોઈએ ધમકી આપી - તે માત્ર ટ્રેલર હતું
આ દરમિયાન અનમોલ બિશ્નોઈએ તેના ફેસબુક પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, આ હુમલો તો માત્ર ટ્રેલર હતું. પોસ્ટમાં લખ્યું છે, 'ઓમ જય શ્રી રામ, જય ગુરુજી જંભેશ્વર, જય ગુરુ દયાનંદ સરસ્વતી, જય ભારત. અમે શાંતિ ઈચ્છીએ છીએ. જો જુલમ સામેનો નિર્ણય યુદ્ધ દ્વારા લેવામાં આવે તો યુદ્ધ બરોબર છે. સલમાન ખાન અમે તને આ માત્ર ટ્રેલર બતાવવા માટે જ કર્યું છે, જેથી તુ સમજી શકે, અમારી તાકાત વિશે વધુ પરીક્ષા ન કરીશ. આ પહેલી અને છેલ્લી ચેતવણી છે. હવે પછી ગોળીઓ ઘર પર ચલાવવામાં નહીં આવે.'