બાળકોના ફેવરિટ ‘બુઢ્ઢીના બાલ’ પર દેશના બે રાજ્યોનો પ્રતિબંધ, જાણો શું છે તેની પાછળનું કારણ...

કોટન કેન્ડીમાં રોડમાઇન-બી મળી આવતા તમિલનાડુ અને પુડુચેરી સરકારે લાદ્યો પ્રતિબંધ

આંધ્રપ્રદેશમાં પણ કોટન કેન્ડીના લેવામાં આવ્યા નમૂના લેવાયા, પ્રતિબંધ મૂકવાની તૈયારી

Updated: Feb 21st, 2024


Google NewsGoogle News
બાળકોના ફેવરિટ ‘બુઢ્ઢીના બાલ’ પર દેશના બે રાજ્યોનો પ્રતિબંધ, જાણો શું છે તેની પાછળનું કારણ... 1 - image


Cotton Candy banned: ભાગ્યે જ કોઈ બાળક હશે જેણે બુઢ્ઢીના બાલ, બુદ્ધિના બાલ કે કોટન કેન્ડીનો સ્વાદ નહીં ચાખ્યો હોય. આજે પણ કોટન કેન્ડી બાળકોની ફેવરિટ છે, પરંતુ તેના નમૂનામાં આરોગ્ય માટે હાનિકારક કેમિકલ મળી આવતા તમિલનાડુ અને પુડુચેરીમાં કોટન કેન્ડી પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. આંધ્રપ્રદેશમાં પણ કોટન કેન્ડીના નમૂના લેવામાં આવ્યા છે અને કંઈ વાંધાજનક મળશે તો તેઓ પણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. તો ચાલો જાણીએ શું છે આ પ્રતિબંધ પાછળનું કારણ. 

કોટન કેન્ડીમાં છે કેન્સર પેદા કરતું કેમિકલ 

કોટન કેન્ડીને ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી હતી. જેમાં કેન્સર પેદા કરતું કેમિકલ Rhodamine-B હોવાની પુષ્ટિ થઈ હતી. જેના કારણે તમિલનાડુ સરકારના સ્વાસ્થ્ય મંત્રી સુબ્રમણ્યમે શનિવારે કોટન કેન્ડીના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ લાદ્યો છે. 

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ડિપાર્ટમેન્ટ 2006 હેઠળ લાદ્યો પ્રતિબંધ

મંત્રાલયે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ડિપાર્ટમેન્ટ 2006 હેઠળ કોટન કેન્ડીના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. અધિનિયમ મુજબ, લગ્ન સમારંભો અને અન્ય જાહેર સમારંભોમાં રોડમાઇન-બી ધરાવતી ખાદ્ય ચીજવસ્તુઓ તૈયાર કરવી, પેકેજિંગ કરવું, આયાત કરવું, વેચાણ કરવું અને પીરસવું એ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 મુજબ સજાપાત્ર ગુનો છે. આ ઉત્પાદનમાં ઝેરી રસાયણો ભેળવવામાં આવ્યા છે. કોટન કેન્ડી બનાવવામાં રોડમાઇન-બીનો ઉપયોગ ઝેરી જાહેર કરાયો છે.

Rhodamine-B શું છે?

રોડમાઇન-બીએ કૃત્રિમ રંગ છે. રિપોર્ટ અનુસાર ધૂપ,  દીવાસળીમાં તેમજ કાપડ ઉદ્યોગમાં પણ રોડમાઇન-બીનો ઉપયોગ થાય છે. આ કેમિકલ માનવ શરીર માટે હાનિકારક છે. જયારે આ કેમિકલ ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશે છે, ત્યારે તે પેશીઓ અને કોશિકાઓમાં ઓક્સિડેટીવ તણાવ પેદા કરી શકે છે, જે લાંબા સમય સુધી શરીરમાં રહેવાથી કેન્સર કરી શકે છે અથવા તો લીવરને નુકસાન પહોંચાડી શકે છે.

આ ઉપરાંત રોડમાઇન-બીનો ઉપયોગ ગુલાબી, બ્લુ અને લીલા રંગની કોટન કેન્ડીમાં થાય છે. ફૂડ સેફ્ટી વિભાગે લોકોને ખાસ સલાહ આપી છે કે તેઓએ ગુલાબી, લીલા અને જાંબલી રંગની કોટન કેન્ડી ખાવાનું ટાળવું જોઈએ. 

કોટન કેન્ડી ખાધા પછી ઘણાં લોકોને એલર્જીની ફરિયાદ રહે છે. આ ઉપરાંત ચહેરો, હોઠ, જીભ, ગળામાં સોજો અને શ્વાસ લેવામાં તકલીફ છે. રોડમાઇન-બી માત્ર કોટન કેન્ડીમાં જ નહીં પણ મીઠાઈઓ, રંગબેરંગી કેન્ડી, લાલ મરચાં, મરચાંનો પાવડર, ચટણીઓ અને અન્ય ઘણાં મસાલાઓમાં પણ ઉમેરવામાં આવે છે.

પુડુચેરીમાં પણ  લાદવામાં આવ્યો છે પ્રતિબંધ

માત્ર તમિલનાડુ જ નહીં પરંતુ પુડુચેરીએ પણ કોટન કેન્ડીના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. 10 ફેબ્રુઆરીના રોજ, પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજને રાજ્યમાં કોટન કેન્ડી વેચતી દુકાનોનું નિરીક્ષણ કરવા અને રોડમાઈન-બી ધરાવતા ઉત્પાદનોને જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ સમાન ચિંતાઓને કારણે કોટન કેન્ડી પર પ્રતિબંધ મૂક્યો હતો.

પુડુચેરીમાં સરકારી ફૂડ લેબોરેટરીમાં પરીક્ષણ કરાયેલા સેમ્પલમાં ગુલાબી કેન્ડીમાં રોડમાઇન-બી હોવાનું જણાયું હતું, જ્યારે બ્લુ કેન્ડીમાં રોડમાઇન-બી અને અજાણ્યું કેમિકલ હતું. ખાદ્ય વિશ્લેષકોએ બંને નમૂનાઓને માનવ સ્વાસ્થ્ય માટે અસુરક્ષિત ગણાવ્યા.

કેમિકલનું સેવન લાવી શકે છે ઘાતક પરિણામ 

માનવીઓ પર આ કેમિકલની અસરના ઓછા કિસ્સા સામે આવ્યા છે, પરંતુ પ્રાણીઓ પર કરવામાં આવેલા પ્રયોગો દર્શાવે છે કે 150 ગ્રામ કરતાં ઓછા કેમિકલનું સેવન પણ સંભવિત ઘાતક પરિણામો લાવી શકે છે. રોડમાઇન-બી કેલિફોર્નિયા અને યુરોપિયન યુનિયનમાં કાર્સિનોજન તરીકે ક્લાસિફાઇ કરવામાં આવ્યું છે.

FSSAIએ પણ 2023 જાહેર કર્યો હતો વીડિયો

આ પહેલા ઓક્ટોબર 2023માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ શક્કરિયામાં રોડમાઇન-બીની ભેળસેળ પર એક વીડિયો જાહેર કર્યો હતો. રોડમાઇન-બીનો ઉપયોગ શક્કરિયાને ગુલાબી રંગ આપવા માટે થાય છે.

શું હોય છે આ કોટન કેન્ડી?

આ કોટન કેન્ડી પહેલા 'બુઢ્ઢીના બાલ' તરીકે ઓળખાતી હતી, પરંતુ ગુજરાતમાં સમય સાથે અપભ્રંશ થઈને તે ક્યારેક 'બુદ્ધિના બાલ' તરીકે પણ ઓળખાય છે. કેટલાક લોકો તેને ફેરી ફ્લોસ તરીકે પણ ઓળખે છે. કોટન કેન્ડી એક પ્રકારની ખાંડ છે. જેના માટે પહેલા ખાંડની ચાસણી બનાવવામાં આવે છે અને ત્યારબાદ નાના છિદ્રો દ્વારા તેને કાંતવામાં આવે છે. તે વિવિધ રંગોમાં વેચાતી હોવાથી બાળકોને ખૂબ જ આકર્ષક લાગે છે. આ કારણસર પણ કોટન કેન્ડી બાળકોમાં લોકપ્રિય છે.

બાળકોના ફેવરિટ ‘બુઢ્ઢીના બાલ’ પર દેશના બે રાજ્યોનો પ્રતિબંધ, જાણો શું છે તેની પાછળનું કારણ... 2 - image


Google NewsGoogle News