Get The App

1984ના રમખાણનો કેસ : બે શીખની હત્યા મામલે 40 વર્ષે ન્યાય, કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમાર દોષિત

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
1984ના રમખાણનો કેસ : બે શીખની હત્યા મામલે 40 વર્ષે ન્યાય, કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમાર દોષિત 1 - image


Anti Sikh Riots Case : 1984ના શીખ વિરોધી રમખાણોથી સંબંધિત સરસ્વતી વિહારમાં બે શીખોની હત્યાના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષિત ઠેરવ્યા છે. આ મામલો પહેલી નવેમ્બર-1984નો છે, જેમાં પશ્ચિમ દિલ્હીના રાજનગર વિસ્તારમાં બે શીખો સરદાર જસવંત સિંહ અને સરદાર તરૂણ દીપ સિંહની હત્યા કરવામાં આવી હતી. તે દિવસે સાંજે લગભગ ચાર વાગ્યે હિંસાખોરોની એક ભીડે લોખંડના સળીયા અને લાકડીઓ લઈને પીડિતોના ઘર પર હુમલો કર્યો હતો.

સજ્જન કુમાર ભીડનું નેતૃત્વ કરી રહ્યા હતા : ફરિયાદી

ફરિયાદીના જણાવ્યા મુજબ, કોંગ્રેસના તત્કાલીન સાંસદ સજ્જન કુમાર ભીડનું નેતૃત્વ કર્યું હતું. સજ્જન કુમાર પર આરોપ છે કે, તેમણે હુમલા કરવા માટે ભીડને ભડકાવ્યા હતા, ત્યારબાદ બંને શીખોને ઘરમાં જ જીવતા સળગાવી દેવાયા હતા. ભીડે ઘરમાં તોડફોડ, લૂંટફાટ અને આગ ચાંપી હતી.

સરલ્વતી વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી FIR

ઘટના બાદ ઉત્તર દિલ્હીના સરસ્વતી વિહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદીએ રંગનાથ મિશ્રા આયોગ સમક્ષ રજુ કરેલ એફિડેવિટના આધારે આ FIR નોંધવામાં આવી હતી. દિલ્હી કેન્ટ હિંસા મામલે સજ્જ કુમાર આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં નિચલી કોર્ટના નિર્ણયને પલટાવી સજ્જન કુમારને આજીવન કેદની સજા સંભળાવી હતી.

આ પણ વાંચો : 'મફતની યોજનાઓને કારણે લોકો કામ કરવા તૈયાર નથી..' ચૂંટણીમાં રેવડી કલ્ચર પર ભડકી સુપ્રીમ કોર્ટ

દિલ્હીમાં મોટે પાયે શીખોની હત્યા થઇ હતી

ઉલ્લેખનીય છે કે, તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશભરમાં શીખ વિરોધી રમખાણો ફેલાયા હતાં. રાજધાની દિલ્હીમાં પણ મોટે પાયે શીખોની હત્યા થઇ હતી. દિલ્હી કેન્ટના રાજનગર વિસ્તારમાં સજ્જન કુમારના ઉશ્કેરણીજનક ભાષણ બાદ પાંચ શીખોની હત્યા કરવામાં આવી હતી. શીખવિરોધી રમખાણોની તપાસ કરનાર નાણાવટી પંચના એક રિપોર્ટમાં સજ્જન કુમારની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યાં બાદ સીબીઆઇએ 2005માં આ મામલો ફરીથી ખોલ્યો હતો અને સજ્જન કુમાર, કેપ્ટન ભાગમલ, મહેન્દ્ર યાદવ, ગિરધારી લાલ, કૃષ્ણ ખોખર અને બલવંત ખોખર વિરુદ્ધ કેસ નોંઘ્યો હતો. સીબીઆઇએ આ તમામ આરોપીઓ વિરુદ્ધ 13 જાન્યુઆરી 2010ના દિવસે ચાર્જશીટ દાખલ કરી હતી. 

સજ્જન કુમાર જન્મટીપની સજા હેઠળ જેલમાં

એ પછી એપ્રિલ 2013માં નીચલી કોર્ટે સજ્જન કુમારને નિર્દોષ છોડી મૂક્યાં હતાં અને બાકીના આરોપીઓને સજા ફટકારી હતી. એ સમયે કોર્ટે સજ્જન કુમારને એમ કહીને દોષિત ઠરાવવાનો ઇન્કાર કર્યો હતો કે, માત્ર નજરે જોનારાઓના નિવેદનના આધારે તેમને દોષિત ન ઠરાવી શકાય. પરંતુ 27 ઓગસ્ટ 2013ના દિવસે દિલ્હી હાઇકોર્ટે સજ્જન કુમાર વિરુદ્ધની સીબીઆઇની અપીલ મંજૂર કરી. સીબીઆઇની દલીલ હતી કે કોર્ટે સજ્જન કુમારને નિર્દોષ છોડીને ભૂલ કરી છે, સજ્જન કુમાર શીખોને મારવા માટે લોકોની ભીડને ઉશ્કેરી રહ્યાં હતાં. છેવટે દિલ્હી હાઇકોર્ટે લાંબી સુનાવણી બાદ સજ્જન કુમારને દોષિત માન્યાં છે અને આજીવન કારાવાસની સજા ફટકારી છે.

આ પણ વાંચો : મહાકુંભમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ અલ્લાહાબાદ હાઈકોર્ટે ફગાવી, કોણે કરી હતી અરજી?


Google NewsGoogle News