સૈફ અલી ખાન પર હુમલાથી રાજકારણ ગરમાયું, રાજ્યની કાયદો-વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
Saif Ali Khan Stabbed: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલા મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડ, સંજય રાઉત સહિત અન્ય વિપક્ષ નેતાઓએ આ ઘટનાને વખોડતાં રાજ્યના કાયદા-વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પણ આકરા પ્રહારો કરતાં સામાન્ય જનતાની સુરક્ષા મુદ્દે સવાલો કર્યા છે.
પ્રસિદ્ધ હસ્તીઓ જ સુરક્ષિત નથી, તો સામાન્ય જનતાનું શું....
શિવસેના (યુબીટી)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સૈફ પર થયેલા હુમલા પર નિવેદન આપ્યું છે કે, આ કેટલી શરમજનક વાત છે કે, મુંબઈમાં હાઈ પ્રોફાઈલને મારી નાખવાનો પ્રયાસ થયો. સૈફ અલી ખાન પર થયેલો હુમલો ફરી એકવાર મુંબઈ પોલીસ અને ગૃહ મંત્રી પર સવાલો ઊભા કરે છે. રાજકીય નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ તેમનો પરિવાર પણ ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યો છે. સલમાન ખાન બુલેટ પ્રુફ ઘરમાં રહેવા મજબૂર બન્યો છે. અને હવે સૈફ પર હુમલો થયો છે. આ તમામ ઘટનાઓ બાંદ્રામાં જ બની રહી છે, જ્યાં લોકપ્રિય હસ્તીઓની સંખ્યા વધુ છે. જ્યાં પર્યાપ્ત સુરક્ષા હોવી જોઈએ. જો તેઓ જ સુરક્ષિત નથી, તો મુંબઈમાં કોણ સુરક્ષિત છે?
આ પણ વાંચોઃ સૈફ પર હુમલા અંગે કરીના કપૂર ખાનની પહેલી પ્રતિક્રિયા, ફેન્સને અટકળો ન લગાવવા કરી અપીલ
સંજય રાઉતે શું કહ્યું?
શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે પણ આ ઘટના પર રોષ ઠાલવતાં કહ્યું કે, સૈફ અલી ખાન એક કલાકાર છે. તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. સૈફ અલી ખાન પર ઘાતક હુમલો થયો છે. વિવિધ અટકળો લગાવાઈ રહી છે. પરંતુ આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા શું કરે છે. તેની શું સ્થિતિ છે. મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટુ હબ હોવા છતાં અહીંના સેલિબ્રિટી સુરક્ષિત નથી. આ સૈફ અલી ખાન પર નહીં પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર હુમલો છે.
કોંગ્રેસ સાંસદે સરકાર પર કર્યા પ્રહારો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ની નેતા સુપ્રિયા સુલેએ પણ અભિનેતા પર હુમલા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ દુર્ઘટનાથી હું સ્તબ્ધ થઈ છું. મુંબઈમાં શું ચાલી રહ્યું છે. બાંદ્રામાં આ પ્રકારની ઘટના ચિંતાનો વિષય બની છે. આ ઘટનાથી સામાન્ય નાગરિકની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે. મુંબઈમાં ખુલ્લેઆમ હુમલા, લૂંટ-ફાટ, ચાકૂબાજીની ઘટનાઓ બની રહી છે. સરકાર પાસે આનો કોઈ જવાબ નથી. અમે જવાબ માગીએ છીએ. જો સેલિબ્રિટી જ સુરક્ષિત નથી, તો સામાન્ય જનતા સુરક્ષાની શું અપેક્ષા રાખી શકે.