સાધ્વી હર્ષા રિછારિયા પર શંકરાચાર્ય ભડક્યાં, કહ્યું- 'મહાકુંભમાં સંતોના શાહી રથ પર જગ્યા આપવી યોગ્ય નહીં'
Sadhvi Harsha Richhariya Controversy: પ્રયાગરાજના મહાકુંભમાં ચર્ચાનો વિષય બનેલી મોડલ અને એન્કર હર્ષા રિછારિયાને લઈને નવો વિવાદ શરૂ થયો છે. હર્ષાને મહાકુંભ પહેલા અમૃત સ્નાનમાં સામેલ કરવા અને તેને મહામંડલેશ્વરના શાહી રથ પર બેસાડવાને લઈને વિવાદ ઉભો થયો છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને આ બિલકુલ પસંદ નહોતું.
સાધ્વી હર્ષા રિછારિયા પર શંકરાચાર્ય ભડક્યાં
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું, 'મહાકુંભમાં આવી પરંપરા શરૂ કરવી સંપૂર્ણપણે ખોટી છે. આ વિકૃત માનસિકતાનું પરિણામ છે. મહાકુંભમાં ચહેરાની સુંદરતા નહીં પણ હૃદયની સુંદરતા જોવી જોઈતી હતી.'
આ અંગે શંકરાચાર્યએ વધુમાં કહ્યું કે, 'જે વ્યક્તિએ હજુ સુધી નિર્ણય લીધો નથી કે સંન્યાસની દીક્ષા લેવી કે લગ્ન કરવા, તેને સંત મહાત્માઓના શાહી રથમાં સ્થાન આપવું યોગ્ય નથી. ભક્ત તરીકે હાજર રહેવું સારું હતું, પણ ભગવા વસ્ત્રોમાં રાજવી રથ પર બેસવું એ સાવ અયોગ્ય છે.'
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, 'સનાતન પ્રત્યે સમર્પણ હોવું જરૂરી છે. મહાકુંભમાં ચહેરાની સુંદરતા નહીં પણ મનની સુંદરતા જોવી જોઈતી હતી. જેમ પોલીસમાં ભરતી થયેલા લોકો માટે જ પોલીસ યુનિફોર્મ ઉપલબ્ધ છે, તેવી જ રીતે માત્ર સન્યાસીઓને જ ભગવા વસ્ત્રો પહેરવાની છૂટ છે.'
જાણો કોણ છે હર્ષા રિછારીયા
હર્ષા રિછારીયા નિરંજની અખાડાના મહામંડલેશ્વર કૈલાશાનંદ મહારાજના શિષ્ય છે અને મૂળ ભોપાલ, મધ્યપ્રદેશના છે. સાધ્વી હોવા ઉપરાંત, હર્ષા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેના વાયરલ વીડિયો અને તસવીરો જોઈને તેના ફેન્સ તેને મહાકુંભ 2025 ફેમનું બિરુદ આપી રહ્યા છે. હર્ષા રિછારિયા સાધ્વી હોવાના કારણે રાતોરાત ફેમસ નથી થઈ ગયા, પરંતુ સોશિયલ મીડિયા પર તેના વાયરલ થવાનું અને ફોલોઅર્સ વધવાનું મુખ્ય કારણ તેની સુંદરતા છે. હર્ષા રિછારિયા મહાકુંભ 2025માં આવનારી સૌથી સુંદર સાધ્વી હોવાનું કહેવાય છે.
બે વર્ષ પહેલા સાધ્વી બન્યા હતા
પોતાની સુંદરતાના કારણે લાઇમલાઇટમાં આવેલા સાધ્વી હર્ષા રિછારીયા કહે છે કે બે વર્ષ પહેલા શાંતિની શોધમાં હું આધ્યાત્મિકતા તરફ ઝૂકી ગઈ હતી અને જીવનમાં જે કંઈ કરવા માંગતી હતી તે છોડીને મે સાધ્વી બનવાનો રસ્તો પસંદ કર્યો હતો.' તેઓ એક એન્કર રહ્યા છે, શો હોસ્ટ કરતા હતા. તેમજ ટ્રાવેલ કરવું પસંદ હોવાથી તેઓ ટ્રાવેલ બ્લોગ્સ પણ બનાવતા હતા.