Get The App

'400 બેઠકોના ​​નારામાં ઘમંડ હતું..', કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સાત સમંદર પારથી ભાજપ પર સાધ્યું નિશાન

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
'400 બેઠકોના ​​નારામાં ઘમંડ હતું..', કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સાત સમંદર પારથી ભાજપ પર સાધ્યું નિશાન 1 - image


Image; Sachin Pilot X

Sachin Pilot on PM Modi Government: રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી CM અને કોંગ્રેસ નેતા સચિન પાયલટે શુક્રવારે લંડનની પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભારતના લોકતંત્ર અને લોકસભા ચૂંટણી 2024 પર લાંબી ચર્ચા કરી હતી. આ ચર્ચામાં પાયલોટે ભાજપની નીતિઓની ટીકા કરી હતી. તેમણે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાઓની પણ જોરદાર હિમાયત કરી હતી. આ દરમિયાન ભાજપ અને મોદી સરકારને પણ ઘેરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, લોકો ભાજપ સરકારની નીતિઓથી નારાજ છે અને તેમની વિરુદ્ધ મતદાન કર્યું છે. કોંગ્રેસે તેના ઘોષણાપત્રમાં એવા મુદ્દાઓનો સમાવેશ કર્યો જે મોટાભાગે સામાજિક-આર્થિક વિકાસને અસર કરી રહ્યા હતા. 

આ કાર્યક્રમને સંબોધિત કરવા માટે સચિન પાયલટને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સચિન પાયલોટે કહ્યું કે, રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દ્વારા લોકો સાથે જોડાવું જોઈએ. કોંગ્રેસ પાર્ટી અને તેના સાથી પક્ષો સંસદની અંદર અને બહાર મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવશે.

આ દરમિયાન સચિન પાયલોટે કહ્યું કે, ઇન્ડિયા ગઠબંધન એવા મુદ્દાઓ પર ચૂંટણી લડ્યું જે દેશના મુદ્દા હતા. અગ્નિવીર યોજનાને લઈને યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમે આર્થિક મુદ્દાઓ અને અમીર અને ગરીબ વચ્ચેની વધતી જતી ખાઈને લઈને ચૂંટણી લડ્યા હતા.

'400 પાર નારામા ભાજપનો અહંકાર દેખાતો હતો'

વધુમાં સચિન પાયલોટે કહ્યું કે, ભાજપનો 400 પારનો નારો તેમનું ઘમંડને દર્શાવે છે. ભાજપ સરકારે છેલ્લા 10 વર્ષમાં એકપક્ષીય નિર્ણયો જ લીધા છે. જનતા દ્વારા સરમુખ્યત્યાશાહી તરફ વધી રહેલા મોદી સરકાર પર લગામ કસવામાં આવી છે. પ્રચારમાં ભાજપ દ્વારા કલમ 370 અને ચૂંટણીમાં 400 પારના નારા લગાવવામાં આવ્યા હતા, જેમાં એક વિચિત્ર ઘમંડ જોવા મળતો હતો જેને વોટર્સે  પાઠ ભણાવ્યો છે. જૂના મુદ્દાઓ જોઈએ તો દેશમાં કોઈપણ તૈયારી વિના નોટબંધી લાગુ કરવી અને તેના કારણે આવેલા ખરાબ પરિણામો હવે જોવા મળતા જનતા ચિંતામાં મુકાઇ હતી.

સચિન પાયલોટે વધુમાં કહ્યું કે, હવે દેશમાં ગઠબંધન સરકાર છે પરંતુ તે કેટલો સમય ચાલશે તે અંગે હજુ કંઈ કહી શકાય તેમ નથી. બિહારના મુખ્યમંત્રી જેડીયુના નેતા નીતિશ કુમારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેઓ થોડા મહિના પહેલા સુધી ઇન્ડિયા ગઠબંધનમાં હતા.

ભાજપ સરકારના અનેક મંત્રીઓ અને અનેક નેતાઓ પર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. પરંતુ ન તો કોઈ પાસેથી રાજીનામું લેવામાં આવ્યું કે ન તો કોઈએ કોઈ જવાબદારી લીધી. એકપણ નેતા સામે પગલાં લેવાયા નથી.

રામ મંદિરના નામે વોટ મેળવવાનો પ્રયાસ કર્યો

કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભાજપે રામ મંદિરના નામે વોટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જનતા ઘણી સમજદાર છે. જેનું મોટું ઉદાહરણ એ છે કે, અયોધ્યામાં જ ભાજપ ચૂંટણી હારી ગયું. ભાજપે રાહુલ ગાંધીની ઈમેજ ખરાબ કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે. આ સિવાય કોંગ્રેસમાં દરેકને પોતપોતાના વિચારો વ્યક્ત કરવાની પૂરી તક આપવામાં આવે છે. અહીં નિખાલસતા છે. કોંગ્રેસ પાર્ટી ભાજપ જેવી નથી.

ભાજપ સરકારે ડેટા છુપાવવાનું કામ કર્યુઃ પાયલોટ

સચિન પાયલટે કહ્યું કે, કોઈપણ દેશમાં લોકશાહીને મજબૂત કરવા માટે સંસદમાં પ્રશ્નો પૂછવાનો અધિકાર હોવો જોઈએ અને એકપક્ષીય નિર્ણયો અને લાદવામાં આવેલા નિર્ણયો જનતાના હિતમાં નથી. છેલ્લા 10 વર્ષમાં દેશની બંધારણીય સંસ્થાઓને નબળી બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ભાજપ સરકારે છેલ્લા 10 વર્ષમાં રોજગાર અને બેરોજગારીના સાચા આંકડાઓ છુપાવવાનું કામ કર્યું છે. ગૃહની અંદર તાનાશાહી વલણ અપનાવતા વિપક્ષી સાંસદોને હાંકી કાઢવાનો નિર્ણય તેની વિશેષતા હતી.


Google NewsGoogle News