સચિન પાયલટને આગળ વધતા અટકાવવા રાજસ્થાન પણ નથી છોડવું અને પાર્ટી અધ્યક્ષ પણ બનવું છે
- વર્ષ 2020માં પાયલટના બળવાથી પ્રદેશ કોંગ્રેસમાં સંકટ સર્જાયું હતું
નવી દિલ્હી, તા. 21 સપ્ટેમ્બર 2022, બુધવાર
કોંગ્રેસ અધ્યક્ષ પદની દાવેદારીમાં નજર આવી રહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતથી પોતાના રાજ્યનો મોહ નથી છૂટી રહ્યો. તેમણે રાજ્ય અને પાર્ટી બંનેની કમાન એક સાથે સંભાળવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું. હાલમાં તેઓ 25 થી 28 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હી પ્રવાસની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પણ ભરવામાં આવશે. એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર પણ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે.
ગેહલોત રાજસ્થાન છોડવા નથી માંગતા
રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે જાણકારી આપતા જણાવ્યું કે, ગેહલોતે સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ રાજસ્થાન છોડીને નથી જઈ રહ્યા. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે, સીએમ અને અન્ય નેતાઓ તેમની ઉમેદવારી પરલ નિર્ણય લેશે. હવે એવી ખબર મળી રહી છે કે, ગેહલોત રાજસ્થાનમાં પોતાનું પદ છોડવાના મૂડમાં નથી.
કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીના એલાન બાદથી જ ગેહલોતનું નામ ચર્ચામાં આવી ગયું હતું. જોકે, તેને લઈને હજું તેમણે સ્પષ્ટતા નથી કરી પરંતુ હવે તેઓ ઉમેદવારી નોંધાવાની તૈયારી કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પછી પણ તેઓ રાહુલ ગાંધીની પાર્ટી અધ્યક્ષ તરીકે વાપસીની આશા રાખી રહ્યા છે. આ પહેલા પણ તેઓ રાહુલની ઉમેદવારીનું સતત સમર્થન કરતા રહ્યા છે.
કેમ રાજસ્થાન છોડવા નથી માંગતા?
પાર્ટીના ટોચના પદ માટે ગાંધી પરિવારની પસંદ માનવામાં આવી રહેલા ગેહલોત કથિત રીતે રાજસ્થાનની ભૂમિકાથી પણ દૂર જવા નથી માંગતા. જો એવું થશે તો તેમના વિરોધી સચિન પાયલટ આ રેસમાં આગળ આવી શકે છે.
કેજરીવાલનું મોડલ
પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી અશોક ગેહલોત પાર્ટી અધ્યક્ષની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી પદ પર બની રહેવા માંગે છે. ગેહલોતના સમર્થકો તેને કેજરીવાલ મોડલ ગણાવી રહ્યા છે. તેમના મતે જે રીતે અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના પ્રમુખની સાથે મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા છે એવી જ રીતે અશોક ગેહલોત પણ એક સાથે બે પદ સંભાળી શકે છે.
પ્રદેશ અને પાર્ટી સાથે-સાથે
ગેહલોતે કોંગ્રેસ નેતૃત્વને કહ્યું કે તેઓ પાર્ટીના વડા બન્યા પછી પણ થોડા સમય માટે મુખ્યમંત્રી રહેવા માંગે છે.
રાજસ્થાનમાં કોંગ્રેસને સંકટથી બચાવતા રહ્યા છે ગેહલોત
વર્ષ 2020માં પાયલટના બળવાથી પ્રદેશ કોંગ્રેસમાં સંકટ સર્જાયું હતું. તે દરમિયાન યુવા નેતા 18 ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા હતા. લગભગ એક મહિના સુધી ચાલેલા આ રાજકીય ડ્રામાનો ગાંધી પરિવારની દરમિયાનગીરી બાદ અંત આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે, પાયલટ અને ગેહલોત બંને 2018ની ચૂંટણી બાદ સીએમ પદની રેસમાં હતા પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડે 71 વર્ષના વરિષ્ઠ નેતાને કમાન સોંપી દીધી હતી. તે દરમિયાન પાયલટને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. જોકે, બળવા દરમિયાન તેમણે આ પદ પણ ગુમાવ્યું હતું.