કોંગ્રેસ નેતા સચિન પાયલોટના થયા છૂટાછેડા, ફારુખ અબ્દુલ્લાની દીકરી સાથે થયા હતા લગ્ન
25 નવેમ્બરે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની
સચિન પાયલટે મંગળવારે ટોંક વિધાનસભા બેઠકથી ઉમેદવારી નોંધાવી
Sachin Pilot Divorce : કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ પત્ની સારાથી અલગ થઈ ગયા છે. બંને વચ્ચે તલાકનો ખુલાસો સચિન પાયલટના ચૂંટણી સોગંદનામાથી થયો છે.
આ મહિને 25 નવેમ્બરે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ નેતા સચિન પાયલટે મંગળવારે ટોંક વિધાનસભા બેઠકથી ઉમેદવારી નોંધાવી છે. નામાંકન કરતા સમયે સોગંદનામામાં તેમણે ખુદને ડિવોર્સી બતાવ્યા છે. જણાવી દઈએ કે, સચિન પાયલટે સોગંદનામામાં પત્નીના નામના કોલમમાં આગળ ખુદને ડિવોર્સી ગણાવ્યા છે. સચિન અને સારાના બે બાળકો છે- આરાન અને વેહાન.
જણાવી દઈએ કે, સચિન પાયલટે વર્ષ 2018માં થયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન સોગંદનામામાં પત્નીના નામ આગળ સારા પાયલટનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે તેમણે એફિડેવિટમાં પત્ની સારાની સંપત્તિની માહિતી પણ આપી હતી. નામાંકનમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં સચિન પાયલની સંપત્તિ લગભગ બે ગણી થઈ ગઈ છે. ગત વિધાનસભા ચૂંટણીમાં સચિન પાયલટે પોતાની સંપત્તિ 3.8 કરોડ રૂપિયા બતાવી હતી, જ્યારે આ વખતે નામાંકનમાં તેમણે પોતાની 7.5 કરોડની સંપત્તિ બતાવી છે.
સારાના લગ્નનો અબ્દુલ્લા પરિવારે કર્યો હતો બહિષ્કાર
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2004માં સારા અને સચિનના લગ્ન થયા હતા. આ લગ્નમાં ખુબ ઓછા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સારાના પરિવાર એટલે કે અબ્દુલ્લા પરિવારે આ લગ્નનો બહિષ્કાર કર્યો હતો. સચિન અને સારા બંનેનો પરિવાર રાજનીતિમાં સક્રિય રહ્યો છે. સચિન પાયલટ દિવંગત કોંગ્રેસ નેતા રાજેશ પાયલટના દીકરા છે. ત્યારે, સારા જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની દીકરી અને ઉમર અબ્દુલ્લાની બહેન છે. સારાના દાદા શેખ અબ્દુલ્લા ખુદ એક લોકપ્રિય નેતા હતા. આ લગ્નમાં સચિનના હિન્દુ અને સારાના મુસ્લિમ હોવા અંગે મોટી સમસ્યા ઉભી થઈ હતી.
જૂની વાતોને ભૂલીને આગળ વધી ચૂક્યો છુંઃ પાયલટ
ટોંક વિધાનસભા બેઠકથી નામાંકન કર્યા બાદ સચિન પાયલટે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ મને કહ્યું કે, જૂની તમામ વાતોને ભૂલી જાઓ અને તમામને માફ કરીને આગળ વધો. હું હવે આ લાઈન પર આગળ વધી રહ્યો છું. અહીં કોઈનું કોઈ જૂથી નથી બન્યું. રાજસ્થાનમાં માત્ર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેનું જ જૂથ છે.