ચંદ્રયાન-ટુ પ્રોજેક્ટના હેડ એસ સોમનાથ ઇસરોના નવા વડા
- જીએસએલવી મેક-3માં મહત્ત્વપૂર્ણ ફાળો
- એસ સોમનાથ હાલમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરનું અધ્યક્ષપદ ધરાવે છે
નવી દિલ્હી : કેન્દ્રએ વરિષ્ઠ રોકેટ સાયન્ટિસ્ટ એસ સોમનાથની ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઝિશનના આગામી વડા તરીકે નિમણૂક કરી છે. તેમણે જીએસએલવી-મેક-થ્રી લોન્ચર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
તેઓ કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) ના ઇન્ટિગ્રેશનની ટીમના લીડર હતા. તેમની ત્રણ વર્ષના સમયગાળા માટે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ચેરમેન ઓફ સ્પેસ પ્રોગ્રામના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ૨૨ જાન્યુઆરી ૨૦૧૮થી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ના વડા છે. તે વિશ્વના અગ્રણી સ્પેસ એજન્સીમાં એકના વડા કે સિવનનું સ્થાન સંભાળશે. હાઈથ્રસ્ટ સેમી ક્રાયોજેનિક એન્જિનની ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓનો તે હિસ્સો હતા અને તેમણે હાર્ડવેર રિયલાઇઝેશન અને ટેસ્ટ પ્રોગ્રામ ફાસ્ટ ટ્રેક પર મૂકાવ્યો હતો.
ચંદ્રયાન-ટુના લેન્ડર ક્રાફ્ટ માટે થ્રોટલેબલ એન્જિનને વિકસાવવુ અને જીસેટ-૯માં ઇલેક્ટ્રિક પ્રોપલ્ઝન સિસ્ટમ દ્વારા સૌપ્રથમ સફળ ફ્લાઇટની સિદ્ધિ તેમના નામે બોલે છે. તેઓ લોન્ચ વ્હીકલ સ્ટ્રક્ચરલ સિસ્ટમ્સ, સ્ટ્રક્ચરલ ડાઇનેમિક્સ, મિકેનિઝમ્સ, પાયરો સિસ્ટમ્સ અને લોન્ચ વ્હીકલ ઇન્ટિગ્રેશનના સિસ્ટમમાં નિષ્ણાત છે. તેમણે મિકેનિકલ ઇન્ટિગ્રેશન ડિઝાઇન દ્વારા પીએસએલવીને સમગ્ર વિશ્વના માઇક્રો સેટેલાઇટના લોન્ચિંગનું સફળ વ્હીકલ બનાવ્યું હતું.
તેઓએ જીએસએલવી મેક-૩ના તલસ્પર્શી એન્જિનિયરિંગ કન્ફિગ્યુરેશનને અંતિમ ઓપ આપવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.તેઓ કોલ્લમની ટીકેએમ કોલેજ ઓફ એન્જિનિયરિંગના મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી હતા, તેમણે બેંગ્લુરુ ખાતેના ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ એરોસ્પેસ સાયન્સમાંમાંથી માસ્ટર્સની ડિગ્રી ૧૯૮૫માં મેળવી હતી. તેઓ જુન ૨૦૧૦થી ૨૦૧૪ સુધી જીએસએલવી મેક-૩ પ્રોજેક્ટના ડિરેક્ટર હતા.