પાકિસ્તાનના મહેમાન બનશે વિદેશ મંત્રી એસ. જયશંકર, જાણો કેમ મહત્ત્વપૂર્ણ છે SCO સમિટ
S Jaishankar Will Visit Pakistan: વિદેશ મંત્રી એસ. જયશંકર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે. વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે પુષ્ટિ કરવામા આવી છે. નોંધનીય છે કે, આ વખતે એસસીઓ સમિટનું આયોજન પાકિસ્તાન કરી રહ્યું છે.
એસસીઓ સમિટ ક્યારે યોજાશે?
એસસીઓનું સમિટન આ વર્ષના ઓક્ટોબર મહિનામાં જ આયોજિત થવા જઈ રહ્યું છે અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાવા જઈ રહી છે. 15મી અને 16મી ઓક્ટોબરે યોજાનારી આ સમિટમાં ભાગ લેવા માટે વિવિધ દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. તેથી વિદેશ મંત્રી એસ. જયશંકર પાકિસ્તાન જશે.
માલદીવના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવશે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, 'વિદેશ મંત્રી એસ. જયશંકરની પાકિસ્તાનની મુલાકાત ઉપરાંત માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની ભારત મુલાકાતનો પણ પ્રસ્તાવ છે. માલદીવના રાષ્ટ્રપતિ સાતમીથી 10મી ઓક્ટોબર 2024 દરમિયાન ભારતની સરકારી મુલાકાત લેશે. આ તેમની પહેલી દ્વિપક્ષીય મુલાકાત હશે.'
પાકિસ્તાને આમંત્રણ આપ્યું હતું!
અહેવાલો અનુસાર, પાકિસ્તાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટ (CHG)ની અધ્યક્ષતા ધરાવે છે, જે રોટેટ થયા કરે છે. આ દરમિયાન તે ઓક્ટોબરમાં બે દિવસીય એસસીઓ હેડ ઓફ ગવર્નમેન્ટ મીટિંગનું આયોજન કરશે. આ પહેલા ઓગસ્ટમાં પાકિસ્તાને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓક્ટોબરમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્નમેન્ટની બેઠકમાં આમંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચો: દુનિયાના ઈઝરાયલ સામે થશે મહાસંગ્રામ... ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું બદલો લેવા આહવાન
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલુચે જણાવ્યું હતું કે, '15મી અને 16મી ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે સભ્ય દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ અંતર્ગત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કેટલાક દેશોએ બેઠકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી દીધી છે, જેના વિશે યોગ્ય સમયે માહિતી આપવામાં આવશે.'