આગામી 5 વર્ષ ખૂબ ડરામણા હશે, સમગ્ર વિશ્વ યુદ્ધની અણી પર: જયશંકરની મોટી ભવિષ્યવાણી

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
S Jaishankar warns for world war
PC: Twitter

S Jaishankar on World War :  રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ ઇઝરાયેલનો બદલો ઇરાનને યુદ્ધ માટે ઉશ્કેરી રહ્યો છે અને ઈઝરાયેલ-ઈરાન વચ્ચેના તણાવને કારણે વિશ્વ ભીષણ યુદ્ધના કિનારે પહોંચી ગયું છે. આ બંને દેશો વચ્ચેનું યુદ્ધ દુનિયાને બે ભાગમાં વહેંચી શકે છે. વિશ્વમાં સતત ઉભરી રહેલા ભયંકર ચિત્ર અંગે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ચિંતા વ્યક્ત કરી છે. 

જયશંકરે મંગળવારે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે યુક્રેન અને રશિયા વચ્ચે અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન, મધ્ય પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં લશ્કરી તણાવ, આર્થિક પડકારો અને આબોહવા પરિવર્તનની ઘટનાઓ અત્યંત જોખમી છે. આવનારા પાંચ કે દસ વર્ષ ખૂબ જ મુશ્કેલીભર્યા હશે.

મંગળવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રીને પૂછવામાં આવ્યું કે, વિશ્વમાં બની રહેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને તમે ભવિષ્યને કેવી રીતે જુઓ છો? જવાબમાં જયશંકરે કહ્યું, "હું આશાવાદી વ્યક્તિ છું અને સામાન્ય રીતે સમસ્યાઓના ઉકેલો વિશે વિચારું છું, ઉકેલોમાંથી ઊભી થતી સમસ્યાઓ વિશે નહીં પરંતુ હું ખૂબ જ ગંભીરતાથી કહીશ કે આપણે અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ."

જયશંકરે આગળ કહ્યું, "મારી પાસે આવતા પાંચ વર્ષ માટે ખૂબ જ ભયંકર આગાહી છે. તમે જોઈ રહ્યા છો કે મધ્ય પૂર્વમાં, યુક્રેનમાં, દક્ષિણ પૂર્વ અને પૂર્વ એશિયામાં શું થઈ રહ્યું છે. તેમજ કોવિડની અસર હજુ પણ ચાલુ છે. કોરોનાના ભયંકર સમયગાળામાંથી સુરક્ષિત રીતે બહાર આવેલા લોકો હવે કોરોના સહિતની બિમારીઓને હળવાશથી લઈ રહ્યાં છે."

"વિશ્વમાં ચારેકોર અનેક પ્રકારના આર્થિક પડકારો છે. વધુ દેશો આર્થિક-સરહદી સંઘર્ષ કરી રહ્યાં છે. વેપાર મુશ્કેલ બની રહ્યો છે, વિદેશી હૂંડિયામણની અછત છે." જયશંકરે ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અને ઈરાન સમર્થિત હુથી મિલિશિયા (વિદ્રોહીઓ) દ્વારા રાતા સમુદ્રમાં વેપારી જહાજોની લૂંટની વધતી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે વૈશ્વિક સ્તરે આ સમગ્ર ઘટનાક્રમના વિનાશક પરિણામો આવી રહ્યા છે.

વધુ વાંચો : ફરી ચૂંટણીના મંડાણ અને ફરી રામ રહીમ પેરોલ પર જેલમાંથી છૂટ્યો

અમેરિકન ચૂંટણી પર જયશંકરે શું કહ્યું?

જયશંકરે યુએસ ચૂંટણી અંગે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, "અમે અન્ય દેશોમાં ચૂંટણીઓ પર ટિપ્પણી કરતા નથી. અમેરિકનો પોતાનો નિર્ણય લેશે અને અમને વિશ્વાસ છે કે છેલ્લા 20 વર્ષના અનુભવના આધારે, અમે નવા રાષ્ટ્રપતિ સાથે કામ કરી શકીશું... તે કોઈપણ હોય.” ભારતની નરેન્દ્ર મોદી સરકાર નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં જે પણ જીતશે તેની સાથે કામ કરવા તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે 2024ની અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધો મુકાબલો છે. અગાઉ શાસક પક્ષ ડેમોક્રેટ્સે જો બિડેનને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેમની વધતી ઉંમર અને અન્ય કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને કમલા હેરિસનું નામ જાહેર થયું હતુ. આ ફેરફાર સાથે હવે જાણકારો બંને ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર થવાની આગાહી કરી રહ્યા છે. જોકે ચૂંટણીમાં ટ્રમ્પનો હાથ ઉપર છે અને અપેક્ષા છે કે ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બની શકે છે પરંતુ સામાન્ય જનતામાં હજી પણ કમલા હેરિસ પ્રથમ પસંદગી છે.


Google NewsGoogle News