ભારતને 'ઝેનોફોબિક' કહેનાર બાઈડનને જયશંકરનો જવાબ - 'ભારતમાં વિવિધ સમાજના લોકો આવે છે'
S Jaishankar Statement : ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના તે નિવેદન પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે ભારત અને જાપાનને 'ઝેનોફોબિક' દેશ કહ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, 'ભારતનો સમાજ હંમેશા અન્ય સમાજોના લોકો માટે ખુલ્લો રહ્યો છે. કેન્દ્ર સરકારનું CAA મુશ્કેલીમાં ફસાયેલા લોકો માટે દરવાજા ખોલે છે તેને ભારતની નાગરિકતા આપવાનું કામ કરે છે. આપણે તે લોકોના સ્વાગત માટે તૈયાર રહેવું જોઈએ, જેમને આવવાની જરૂર છે અને જેનો હક બને છે.'
વિદેશ મંત્રી એસ. જયશંકરે CAAનો વિરોધ કરનારા પર નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, એવા લોકો છે જેમણે સાર્વજનિક રીતે કહ્યું કે, 'CAAના હોવાથી 10 લાખ મુસ્લિમો ભારતમાં પોતાની નાગરિકતા ગુમાવી દેશે. આ દાવાઓ છતા કોઈની ભારતમાં નાગરિકતા નથી ગઈ.'
પશ્ચિમી મીડિયાનો એક ભાગ ભારતને કરે છે ટાર્ગેટ : એસ. જયશંકર
એસ. જયશંકરે કહ્યું કે, 'પશ્ચિમી મીડિયાનો એક ભાગ ગ્લોબલ નેરેટિવને પોતાના હિસાબથી ચલાવવા માગે છે અને આ તબક્કામાં તેઓ ભારતને નિશાન બનાવે છે. આ તે લોકો છે જેમને ભરોસો છે કે તેમણે આ નેરેટિવને કંટ્રોલ કરવો જોઈએ.'
જો બાઇડને શું કહ્યું હતું?
એક કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું હતું કે, 'ભારત જેવા દેશો ઝેનોફોબિક છે અને આર્થિક શક્તિના રૂપમાં પાછળ રહી જવાનું કારણ આ જ છે. ભારત, ચીન, જાપાન અને રશિયા જેવા દેશો ઝેનોફોબિક દેશો છે. તેમની અર્થવ્યવસ્થા તે કારણે પ્રભાવિત થાય છે. ઝેનોફોબિક એટલે એક પ્રકારનો ડર, તે ડર બહારથી આવતા લોકોને રોકે છે. ભારત, ચીન, રશિયા અને જાપાન જેવા દેશો બહારના લોકોને આવકારતા નથી. તે કારણે જ તેમનું અર્થતંત્ર વધુ વિકાસ નથી પામતું.
બાઇડને કહ્યું હતું કે, 'આપણા અર્થતંત્રનો ઝડપી વિકાસ થાય છે, કારણ કે આપણે અને અન્ય લોકો પણ મહેનત કરે છે. એવું એટલા માટે છે કે આપણે પ્રવાસીઓને આવકારીએ છીએ.' ચીનનું ઉદાહરણ આપીને બાઇડેને સમજાવ્યું હતું કે, 'ચીનનું અર્થશાસ્ત્ર શા માટે સ્થગિત થઈ ગયું છે? જાપાન શા માટે મુશ્કેલીમાં છે? ભારત અને રશિયાની સ્થિતિ શું છે? આવું એટલા માટે છે કે તેઓ ઝેનોફોબિક છે. તે લોકો પ્રવાસી સમુદાય નથી ઇચ્છતા. પરંતુ અમેરિકાને તો પ્રવાસીઓ જ મજબૂત કરે છે.'
ભારત અને જાપાન સાથે સંબંધો મજબૂત : અમેરિકા
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા ભારત પર મોટો આરોપ લગાવ્યા બાદ હવે અમેરિકા ડેમેજ કંટ્રોલ મોડમાં છે. બુધવારના એક કાર્યક્રમમાં બાઇડને કરેલી ટિપ્પણી અંગે 'વ્હાઇટ હાઉસ'ના પ્રેસ સચિવ કૈરિન જ્યાં-પિયરેએ કહ્યું કે, રાષ્ટ્રપતિ એક 'વ્યાપક બિંદુ' પર વાત કરી રહ્યા હતા. અમારા સહયોગી અને સાથી ખુબ સારી રીતે જાણે છે કે રાષ્ટ્રપતિ તેમનું કેટલું સન્માન કરે છે. જાપાનના સંદર્ભવમાં જેમ કે તમે જાણો છો કે તેઓ હાલમાં જ અહીં રાજકીય પ્રવાસે આવ્યા હતા. અમેરિકા અને જાપાનના સંબંધો મહત્વપૂર્ણ છે. આ ગાઢ અને કાયમી ગઠબંધન છે.
તેમણે કહ્યું કે, તેમણે (બાઇડને) એક વ્યાપક બિંદુ પર ટિપ્પણી કરી હતી કે દેશમાં અપ્રવાસીઓનું હોવું કેટલું જરૂરી છે અને કેવી રીતે તેના કારણે આપણો દેશ મજબૂત બને છે. આ અંગે વાત કરી રહ્યા હતા. ભારત અને જાપાનની સાથે નિઃસંકોચ અમારા સંબંધ મજબૂત છે અને જો તમે છેલ્લા ત્રણ વર્ષ પર નજર નાખો તો રાષ્ટ્રપતિ આ રાજકીય સંબંધો પર નિશ્ચિત રીતે ધ્યાન કેન્દ્રીત કરાયું છે.