માલદીવ વિવાદમાં જયશંકરે મૌન તોડ્યું, કહ્યું- દર વખતે બધા દેશ ભારતનું સમર્થન ના પણ કરે
India Maldives Dispute : વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવ સાથે ચાલી રહેલા વિવાદ અંગે મૌન તોડ્યું છે. જયશંકરે કહ્યું કે, 'એ વાતની કોઈ ગેરન્ટી ન આપી શકાય કે તમામ દેશ દર વખતે ભારતનું સમર્થન કરશે અને તેની સાથે સંમત થશે.'
'તમામ દેશ આપણું સમર્થન કરશે, તેની ગેરન્ટી નહીં'
નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં જયશંકરે માલદીવ સાથે હાલમાં શરૂ થયેલા વિવાદનો મુદ્દો છેડ્યો હતો. તેમણે કહ્યું કે ‘રાજકારણમાં હું ગેરન્ટી ન આપી શકું કે તમામ દેશ દર વખતે આપણું સમર્થન કરશે. આપણે છેલ્લા દસ વર્ષમાં વિશ્વના દેશો સાથે ખૂબ જ મજબૂત સંબંધ બનાવ્યા છે. આ દિશામાં આપણને ઘણી સફળતા મળી છે.'
આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરના રાજકીય સંબંધોમાં ઉતાર-ચઢાવ વિશે વાત કરી હતી. આ ઉપરાંત સકારાત્મક ભાવના સાથે વૈશ્વિક સ્તરે મજબૂત સંબંધ બનાવવાના ભારતના પ્રયાસો અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી.
'ચીન સાથે હાલમાં સંબંધો સામાન્ય નહીં બને'
આ દરમિયાન જયશંકરે ચીન વિવાદ વિશે પણ વાત કરી અને કહ્યું કે 'સરહદે સંઘર્ષ વચ્ચે ચીન સાથેના સંબંધો સામાન્ય રીતે આગળ વધવાની આશા ન રાખવી જોઈએ. વ્યૂહનીતિ ચાલતી રહે છે. ક્યારેક આકરી પરિસ્થિતિઓનું સમાધાન ઉતાવળમાં નથી નીકળતું.'
આ કાર્યક્રમમાં જયશંકરે લોકોના સવાલના જવાબ પણ આપ્યા. ચીન મુદ્દે કરાયેલા એક સવાલમાં તેમણે કહ્યું કે, 'ભારત અને ચીન વચ્ચે સરહદે એકબીજા વચ્ચે સંમતિ નથી. તેથી નિર્ણય લેવાયો હતો કે, બંને પક્ષ સૈનિકોને તહેનાત નહીં કરે અને પોતાની ગતિવિધિ અંગે એકબીજાને માહિતી આપશે, પરંતુ પાડોશી દેશે 2020માં આ કરારનું ઉલ્લંઘન કર્યું. ચીને મોટી સંખ્યામાં પોતાના સૈૈનિકોને સરહદે ખડકી દીધા અને પછી ગલવાનની ઘટના બની.'