ચીને બહુ મોટી ભૂલ કરી, સંબંધો સુધારવા હોય તો... જાપાનમાં બોલ્યા વિદેશમંત્રી એસ.જયશંકર
India-China Border Controversy : ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ અંગે વિદેશમંત્રી એસ.જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ વિવાદમાં ત્રીજા પક્ષના હસ્તક્ષેપની સંભાવનાઓને તદ્દન નકારી કાઢી છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે, આ વિવાદ દ્વિપક્ષીય મુદ્દો છે, જેને બંને દેશોએ પોતે જ ઉકેલવો જોઈએ. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, વર્ષ 2020માં ચીને સરહદ પર સેના તહેનાત કરી સમજુતીનું ઉલ્લંઘન કર્યું હતું, જેના કારણે હાલ ભારતના ચીન સાથે સંબંધો યોગ્ય અને સામાન્ય નથી.
ભારત-ચીન સરહદ વિવાદમાં કોઈ ત્રીજાએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ : જયશંકર
જયશંકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘ભારત અને ચીન વચ્ચે વાસ્તવમાં શું મુદ્દો છે, તે ઉકેલવા માટે અમે અન્ય દેશો તરફ જોઈ રહ્યા નથી. જે બે દેશો વચ્ચે વિવાદ છે, તેમની વચ્ચે જ વાતચીત થવી જોઈએ અને આવા વિવાદમાં કોઈ ત્રીજાએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર QUAD વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે જાપાનની રાજધાની ટોક્યોમાં છે.
‘ચીને સરહદ પર સેના તહેનાત કરી સમજૂતીનું ઉલ્લંઘન કર્યું’
તેમણે કહ્યું કે, ‘વર્ષ 2022માં કોરોનાકાળ દરમિયાન ચીને તેના સરહદી ક્ષેત્રમાં મોટાપ્રમાણમાં સેના તહેનાત કરી સમજુતીનું ઉલ્લંઘન કર્યું હતું, આમ કરવાથી તણાવ ઉભો થયો, જેના કારણે મારામારી થઈ અને બંને તરફથી લોકોના મોત થયા. ચીને આ મોટી ભૂલ કરી છે. આ કારણે અમારા ચીન સાથેના સંબંધો સારા ચાલી રહ્યા નથી.’
‘અમે એક પડોશી દેશ હોવાથી...’
વિદેશમંત્રીએ કહ્યું કે, ‘આનું (ચીન દ્વારા સેના તહેનાત કરવાનું) પરિણામ હજુ પણ જોવા મળી રહ્યું છે. કારણ કે આ મુદ્દો હજુ સંપૂર્ણ ઉકેલાયો નથી. ચીન સાથે હજુ પણ સંબંધો સારા નથી, સામાન્ય નથી. અમે એક પડોશી દેશ હોવાથી સારા સંબંધોની આશા રાખીએ છીએ, જોકે તેણે સંબંધો સુધારવા હોય તો પહેલા LoCનું યોગ્ય સન્માન કરે અને બંને દેશો વચ્ચે જે કરાર થયો હતો, તે સમજૂતીનું સન્માન કરે.’
આ પણ વાંચો : જીવન તો સલામત નહોતું, હવે સલામત ભણતરના હક માટે પણ વિદ્યાર્થીઓની ચીફ જસ્ટિસને આજીજી