'કેનેડા અમને પુરાવા આપે, અમે તપાસ માટે તૈયાર..' બ્રિટનથી જયશંકરે ટ્રુડો સરકારને સંભળાવી દીધું
જયશંકર હાલમાં બ્રિટનની મુલાકાતે છે
તેમણે ચીન અને ભારત વચ્ચેના સંબંધો અંગે પણ કરી વાત
image : Twitter |
India-Canada Row: ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે ભારત સરકાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની (Hardeep Singh Nijjar) હત્યા સંબંધિત તપાસનો ઇનકાર કરી રહી નથી પરંતુ કેનેડાની સરકારે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાના તેના દાવાને સાબિત કરવા માટે પુરાવા દર્શાવવા આપવા પડશે. હાલમાં વિદેશ મંત્રી જયશંકર બ્રિટનની મુલાકાતેછે, જ્યાં તેમણે એક કાર્યક્રમમાં ચીન અને કેનેડા સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
જયશંકરે બ્રિટનમાં કરી આ ટિપ્પણી
બ્રિટનની રાજધાની લંડનમાં ઉત્તરપ્રદેશના લોખરીમાંથી ચોરાયેલી 8મી સદીની મંદિરની મૂર્તિઓ, યોગિની ચામુંડા અને યોગિની ગોમુખીના વાપસીના સમારંભમાં જયશંકરે ભાગ લીધો હતો. અહીં તેમણે કેનેડા અને તેના દ્વારા લગાવાયેલા આવેલા આરોપો અંગે વાત કરી હતી. વિદેશ મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બે મહિના પહેલા જસ્ટિન ટ્રુડોની સરકારે ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા માટે ભારતીય એજન્ટો પર આરોપ લગાવ્યો હતો અને ભારતના ટોચના રાજદ્વારીને ઓટાવા છોડવા કહ્યું હતું.
અમને પુરાવા બતાવો, અમે તપાસ કરવા તૈયાર : જયશંકર
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે અમે કેનેડાના લોકોને જણાવી દીધું છે. ખરેખર તો મુદ્દો એ છે કે અમને લાગે છે કે કેનેડાના રાજકારણમાં હિંસક અને ઉગ્રવાદી રાજકારણને સ્થાન આપી દેવાયું છે. જેનું મુખ્ય કામ હિંસક માધ્યમો સહિત ભારત સાથે અલગતાવાદની વાત કરવાનું છે. તેમણે કહ્યું કે આ લોકો કેનેડાના રાજકારણમાં ભળી ગયા છે. તેમને તેમના વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. પરંતુ વાણી કે અભિવ્યક્તિની સ્વતંત્રતા એક જવાબદારી સાથે મળે છે.
જયશંકરે આપી સલાહ
જયશંકરે કહ્યું કે આ સ્વતંત્રતાનો દુરુપયોગ અને રાજકીય હેતુઓ માટે તેનો ગેર લાભ લેવાનું સહન કરવું યોગ્ય નથી. તેમણે કેનેડાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તમારી પાસે આવો આરોપ લગાવવાનું કોઈ કારણ હોય તો કૃપા કરીને અમારી સાથે પુરાવા શેર કરો. અમે તપાસનો ઇનકાર કરી રહ્યા નથી.
ભારત-ચીન સંબંધો પર વિદેશ મંત્રીએ શું કહ્યું?
ચીન વિશે વાત કરતા જયશંકરે કહ્યું કે ચીનનો ઉદય એક વાસ્તવિકતા છે, પરંતુ તેટલો જ વાસ્તવિક ભારતનો ઉદય પણ છે. ઊંચાઈ અલગ હોઈ શકે છે. તે માત્રાત્મક અથવા ગુણાત્મક રીતે સમાન ન હોઈ શકે. ભારત અને ચીનની સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિઓમાંની એક છે. તેમણે કહ્યું કે કેટલીક બાબતો એવી છે જેને સમજવાની જરૂર છે. અમે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટા છીએ.