રશિયન સેનામાં કેટલા ભારતીય યુવાનો ફસાયા છે, ક્યારે પાછા ફરશે?, વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે અનેક ભારતીય યુવાનો રોજગારીની લાલચે રશિયા ગયા હતા
રશિયામાં ફસાયેલા યુવાનો અંગે વિદેશ મંત્રાલયે કહ્યું, અમે આ લોકોને ઝડપથી રજા મળે તે માટે પ્રયત્નશીલ છીએ
Russian Ukraine War : રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયું તે દરમિયાન અનેક ભારતીય યુવાનો રોજગારીની લાલચે રશિયા ગયા હતા. આ પૈકી અનેક લોકો સહાયક સ્ટાફ તરીકે રશિયા પહોંચ્યા હતા. જો કે ત્યાં પહોંચ્યા પછી આ ભારતીય યુવાનોને સહાયકના નામે હાથમાં બંદૂકો આપી દેવાઈ હતી. આવા કેટલાક યુવાનોને રશિયન સેના (Russian Army)એ યુક્રેન સામેના યુદ્ધમાં ભાગ લેવા મજબૂર કર્યા હતા.
વિદેશ મંત્રાલયે જાહેર કર્યો આંકડો
આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયને અનેકવાર સવાલ કરાતો હતો કે, આખરે કેટલા ભારતીય યુવાનો રશિયામાં ફસાઈ ગયા છે? હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, 20થી વધુ ભારતીય યુવાનો રશિયન સેનામાં સહાયક કર્મચારી તરીકે કામ કરવા ગયા હતા. તેઓ જાણતા ન હતા કે, સહાયક તરીકે તેમણે જીવના જોખમે કામ કરવાનું રહેશે. અમે આ લોકોને ઝડપથી રજા મળે તે માટે પ્રયત્નશીલ છીએ. આ પૈકી કેટલાક યુવાનોને સરહદો પર રશિયન સૈનિકો સાથે યુક્રેન યુદ્ધ લડવા મજબૂર કરાયા હતા.
યુવાનોને સુરક્ષિત પાછા લાવીશુંઃ જયસ્વાલ
આ અંગે જયસ્વાલે દાવો કર્યો છે કે, ‘આ યુવાનો રશિયાના વિવિધ સ્થળોએ છે. રશિયા સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓ પણ રશિયન અધિકારીઓ સાથે સંપર્કમાં છે. આ તમામ યુવાનોને હેમખેમ પાછા લાવવા માટે વિદેશ મંત્રાલય પણ રશિયા સાથે સંપર્કમાં છે.’
યુદ્ધ ક્ષેત્રમાં નહીં જવાની પણ યુવાનોને અપીલ
આ દરમિયાન જયસ્વાલે યુવાનોને અપીલ કરી હતી કે, ભારત સરકાર (India Government) તેના નાગરિકોને બચાવવા પ્રતિબદ્ધ છે, પરંતુ કોઈ પણ દેશમાં યુદ્ધ જેવી સ્થિતિમાં જઈને કઠિન સ્થિતિમાં ના ફસાઓ.