રશિયાના વિપક્ષી નેતા એલેક્સી નેવેલનીનું જેલમાં જ મૃત્યુ
નેવેલની લાંબા સમયથી પુતિનના કટ્ટર ટીકાકાર હતા
નેવેલની જેલમાં બેભાન થયા પછી ભાનમાં જ ન આવ્યા અગાઉ પણ તેમને મારી નાખવાના પ્રયત્નો થયા હતા
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાડીમીર પુતિનના કટ્ટર વિરોધી અને વિપક્ષી નેતા એલેક્સી નેવેલનીનુંં જેલમાં નિધન થયું છે. તે લાંબા સમયથી જેલમાં હતા. યમાલો-નેનેટ્સ જેલમાં તેમનું મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. જેલના વહીવટીતંત્રએ જણાવ્યું હતું કે શુક્રવારે જેલમાં હરતાફરતા હતા તે સમયે ે નેવેલ્નીનું આરોગ્ય સારું ન હતું. તેમણે તબિયત ઠીક ન હોવાની જાણકારી પણ આપી હતી.
તેના પછી તે બેહોશ થઈ ગયા હતા. તેના પગલે તરત જ મેડિકલ સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તે હોશમાં આવ્યા ન હતા. હજી સુધી તેમના મૃત્યુના કારણોની જાણકારી મળી નથી.
આ પહેલા ૨૦૨૦માં તેમને સાઇબીરિયામાં ઝેર આપીને મારવાની ખબર સામે આવી હતી. તે સમયે પણ રશિયાની સરકાર પર આરોપો લાગ્યા હતા, પરંતુ સરકારે ફગાવી દીધા હતા. તેના પછી તેમને જેલમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હોવાની અફવા ઉડી હતી.આ પહેલા ૨૦૧૭માં પણ નેવેલની પર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં તેમની આંખમાં ગંભીર ઇજા થઈ હતી. ૨૦૧૮માં તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ઊભા રહી ન શક્યા. એલેક્સીએ તેને સરકારનું કાવતરું ગણાવ્યું હતું.
જુલાઈ ૨૦૧૯માં તેમને જેલ થઈ હતી, કારણ કે તેમણે મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. તે વખતે જેલમાં તેમની તબિયત બગડી ગઈ હતી અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમને ઝેર આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એલેક્સી નેવેલ્નીએ રશિયામાં ભ્રષ્ટાચાર સામે ઘણા અભિયાન ચલાવ્યા. આ દરમિયાન તે ઘણી વખત જેલ પણ ગયા. તે છેક ૨૦૧૧થી પુતિનના પક્ષનો ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા રહ્યા હતા. તેમનો આરોપ હતો કે પુતિનના પક્ષે સંસદીય ચૂંટણીમાં ગેરરીતિ આચરી છે. આ આરોપ પછી તેમને ૧૫ દિવસ માટે જેલમાં નાખવામાં આવ્યા હતા. નેવેલની લાંબા સમયથી પુતિનના ટીકાકાર રહ્યા છે. બીજી બાજુએ એલેક્સી નેવેલનીના મૃત્યુની જાહેરાત થઈ ત્યારે પત્ની યુલિયા નેવેલની મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ (એમએસસી)માં હતી.