મહાકુંભમાં આતંકી હુમલાની ધમકી વચ્ચે રશિયન નાગરિકની ધરપકડ, વિઝા એક્સપાયર હતો
Prayagraj Terrorist Attack Threatened: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભમાં આતંકવાદી હુમલાની ધમકી આપનાર ઇન્સ્ટાગ્રામ અને 'X' યુઝર સામે પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન સર્ચ ઑપરેશનમાં એક રશિયન નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે. હાલ પૂછપરછ બાદ પોલીસે તેને દિલ્હીના ઇમિગ્રેશન બ્યુરોને સોંપી દીધો છે.
ધમકીભરી પોસ્ટ ડિલીટ કરી
મહાકુંભમાં આતંકવાદી હુમલાની ધમકીને લઈને પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે. હાલ પોલીસની સાથે સાયબર સેલની ટીમ પણ તપાસ કરી રહી છે. બીજી તરફ આરોપી ઇન્સ્ટાગ્રામ યુઝરે પોતાના એકાઉન્ટમાંથી મહાકુંભને લઈને ધમકી સાથે જોડાયેલી પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે.
આ પણ વાંચો: કેરલમાં સ્કૂલ બસે બે ગુલાટી મારી, એક બાળકીનું મોત, 15 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત
એક હજાર લોકોને ઉડાવી દેવાની ધમકી
આરોપીએ ધમકી આપી છે કે 13મી જાન્યુઆરીએ ધાર્મિક સભા દરમિયાન વિસ્ફોટમાં ઓછામાં ઓછા એક હજાર લોકો માર્યા જશે. આ ધમકી મળ્યા બાદ પોલીસ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે અને મેળા વિસ્તારમાં વિવિધ સ્થળોએ પોલીસ ચેકિંગ ઝુંબેશ પણ ચાલી રહી છે. પોલીસ મેળા વિસ્તારમાં પ્રવેશતાં વાહનોનું ચેકિંગ કરી રહી છે.
રશિયન નાગરિકની ધરપકડ કરાઈ
પોલીસે ઑપરેશન શરુ કર્યું ત્યારે એક રશિયન નાગરિક પણ ઝડપાયો હતો. તેના વિઝાની મુદત પૂરી થઈ ગયા પછી પણ તે મેળામાં રોકાયો હતો. તેણે સેક્ટર નંબર 15 સ્થિત ભક્ત શિબિરમાં આશ્રય લીધો હતો. પોલીસ દ્વારા પૂછપરછ બાદ હવે તેને દિલ્હીના ઇમિગ્રેશન બ્યુરોને સોંપવામાં આવ્યો છે. મેળામાં તેને શંકાસ્પદ જણાતાં પોલીસ કર્મચારીઓએ તેની પૂછપરછ કરતાં તે ગભરાવા લાગ્યો હતો.
આ પણ વાંચો: પ્રિ-પ્રાઇમરી સ્કૂલના નિયમોને લઈ સરકારે નમતું જોખ્યું, સંચાલકોની માંગ મુજબ કરાશે ફેરફાર