ભારત માટે દુશ્મનાવટ ભૂલાવી સાથે આવ્યા રશિયા અને યુક્રેન, બનાવ્યું એવું જંગી જહાજ કે ચીનની વધશે ચિંતા
INS Tushil joins India Navy: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો તરફથી એકબીજા પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે. જો કે આ દરમિયાન બંને દેશ ભારતીય નેવીના એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ માટે સાથે આવ્યા છે. બંને દેશોએ સાથે મળીને ભારતીય નેવી માટે એક જંગી જહાજ બનાવ્યું છે, જે સોમવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતને સોંપવામાં આવ્યું હતું.
ભારત પાસે છે હાલ આવા 6 યુદ્ધ જહાજો
ભારતે વર્ષ 2016માં રશિયા સાથે બે યુદ્ધ જહાજ માટે કરાર કર્યા હતા. ફ્રિગેટ INS તુશીલ તેમાંથી એક છે. INS તુશીલ ક્રિવાક III-ક્લાસ ફ્રિગેટ, જે આધુનિક સ્ટીલ્થ મિસાઇલ ફ્રિગેટ છે. ભારત પાસે હાલમાં આવા 6 યુદ્ધ જહાજો છે અને તે બધા રશિયામાં બનાવવામાં આવ્યા છે.
INS તુશીલ અદ્યતન મિસાઇલથી છે સજ્જ
INS તુશીલ એ ક્રિવાક III વર્ગનું ફ્રિગેટ છે, જે અદ્યતન મિસાઇલથી સજ્જ છે. રશિયામાં બનાવવામાં આવી રહેલા બે યુદ્ધ જહાજો ઉપરાંત ભારતમાં વધુ બે જહાજ બનાવવામાં આવી રહ્યા છે. આ ગોવા શિપયાર્ડમાં બને તેવી શક્યતા છે.
યુક્રેને બનાવ્યું યુદ્ધ જહાજનું એન્જિન
આ યુદ્ધ જહાજોમાં ઉપયોગમાં લેવાતા પ્રાથમિક એન્જિન યુક્રેનમાં બનેલા છે. ભારતીય નેવીના કાફલામાં મોટાભાગના જહાજો ગેસ ટર્બાઇન એન્જિનનો ઉપયોગ કરે છે, જે યુક્રેનિયન કંપની ઝોરિયા-માશપ્રોક્ટ દ્વારા બનાવે છે. આ કંપની મરીન ગેસ ટર્બાઇનના ઉત્પાદનમાં વિશ્વની ટોચની કંપનીમાં સ્થાન ધરાવે છે.
આ કારણે જહાજની ડિલિવરીમાં વધુ સમય લાગ્યો
આ ઓર્ડરની સૌથી મહત્ત્વની વાત એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલતું હોવા છતાં ભારતને આ જહાજ મળ્યું છે. તેમજ આ ઓર્ડરને પૂર્ણ કરવામાં ભારતે પણ પડકારનો સામનો કર્યો છે. જે માટે ભારતે પોતે યુક્રેન પાસેથી એન્જિન લઈને પહોંચાડવું પડ્યું હતું, જેથી જહાજ તૈયાર થઈ શકે. આવી સ્થિતિમાં જહાજની ડિલિવરીમાં ઘણો સમય પસાર થયો છે.
જાણો INS તુશીલની વિશેષતા
INS તુશીલ એ પ્રોજેક્ટ 1135.6 નું અપગ્રેડેડ ક્રિવાક III વર્ગનું ફ્રિગેટ છે. આમાંથી 6 જહાજ પહેલેથી જ સેવામાં છે, જેમાં બાલ્ટિસ્કી શિપયાર્ડ, સેન્ટ પીટર્સબર્ગ ખાતે બાંધવામાં આવેલા ત્રણ તલવાર-વર્ગના જહાજો અને યાનતાર શિપયાર્ડ, કેલિનિનગ્રાડ ખાતે બાંધવામાં આવેલા ત્રણ ફોલો-ઓન ટેગ-ક્લાસ જહાજોનો સમાવેશ થાય છે. INS તુશીલ શ્રેણીમાં સાતમું અને બે એડવાન્સ એડિશનલ ફોલો-ઓન જહાજોમાંથી પ્રથમ છે. આ માટે ઑક્ટોબર 2016માં JSC Rosoboron export, ભારતીય નૌકાદળ અને ભારત સરકાર વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મારી સાથે ભાજપના દિગ્ગજ નેતા પણ હતા: સોરોસ સાથે મુલાકાતના આરોપ પર થરૂરનો જવાબ
INS તુશીલ આ હથિયારોથી છે સજ્જ
આ યુદ્ધ જહાજની લંબાઈ 409.5 ફૂટ, બીમ 49.10 ફૂટ અને ડ્રાફ્ટ 13.9 ફૂટ છે. તે દરિયામાં 59 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તે 18 અધિકારીઓ સહિત 180 સૈનિકોને લઈને 30 દિવસ સુધી દરિયામાં રહી શકે છે. INS તુશીલ ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીથી સજ્જ છે. તે 4 KT-216 ડેકોય લોન્ચર્સથી સજ્જ છે. તેમાં 100 mm A-190E નેવલ ગન પણ લગાવવામાં આવી છે. આ સિવાય તે એક 76 એમએમ ઓટો મેલારા નેવલ ગન અને 2 એકે-630 સીઆઇડબલ્યુએસ અને 2 કશ્તાન સીઆઇડબલ્યુએસ ગનથી સજ્જ છે.
ચીનની ચિંતા વધશે
ભારત માટે બનાવવામાં આવી રહેલા બે યુદ્ધ જહાજોમાંથી પ્રથમ સોમવારે ડિલિવર કરવામાં આવ્યું હતું. ચીની નેવી વિશ્વની સૌથી ઝડપથી વિકસતી નેવી બની છે. એવામાં હવે હિંદ મહાસાગરમાં ભારતીય નેવીના કાફલામાં આ નવા યુદ્ધ જહાજથી ભારતની તાકાત વધતાં ચીનનો તણાવ વધશે તે નિશ્ચિત છે.