રશિયન કંપનીએ બિયરની બોટલ પર ગાંધીજી, મધર ટેરેસાની તસવીરો છાપતાં વિવાદ, ધાર્મિક ભાવના પણ દુભાઈ
Image: Instagrama |
Mahatma Gandhi: મહાત્મા ગાંધી, મધર ટેરેસા અને નેલ્સન મંડેલા જેવી મહાન વ્યક્તિઓની બિયર અને દારૂની બોટલ પર છપાયેલી તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેનાથી લોકો વચ્ચે એક નવા વિવાદે જન્મ લીધો છે. આ સિવાય ગાંધીજીના ફોટાવાળી બિયરની બોટલ પર ૐ દર્શાવેલું હોવાથી લોકોની ધાર્મિક ભાવના પણ દુભાઈ છે. આ કૃત્ય રશિયાની એક દારૂ બનાવનાર કંપનીએ કર્યું છે. રશિયાની કંપનીની આ હરકતને લઈને એવું પણ જણાવવામાં આવ્યું કે, આ કોઈ નવી AI જનરેટેડ બિયરની બોટલના ફોટા નથી. હકીકતમાં બિયરની બોટલ અને કેન પર આ મહાન લોકોની તસવીર લગાવવામાં આવી છે. કારણ કે, આ બિયર બનાવનારી કંપની દ્વારા પણ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ઉત્પાદનોના ફોટો સહિત ડિટેલ આપવામાં આવી છે.
ગાંધીની તસવીરવાળી બિયરની બોટલ
સોશિયલ મીડિયા પર આ બિયર ખૂબ વાયરલ થઈ રહી છે. મૉસ્કોના સર્ગિએવ પોસાદ સ્થિત રેવૉર્ટ બ્રૂઅરી કંપની આવી બિયરની બોટલ બનાવી રહી છે. બોટલ પર લગાવવામાં આવેલા ગ્રાફિક્સ હાલ વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને એક્સ પર અનેક લોકોએ આવા મહાન લોકોની તસવીર લાગેલી બિયરની બોટલના ફોટો અને વીડિયો શેર કર્યા છે અને તેની ટીકા કરી છે. એટલું જ નહીં રેવોર્ટ બ્રૂઅરીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ઉત્પાદનોના ફોટા શેર કર્યાં છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પની આ ઓફર ભારતે ફગાવી દીધી, ટેરિફની ચર્ચા વચ્ચે વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
કંપનીએ શેર કરી તસવીર
કંપનીએ જે પોસ્ટ શેર કરી તેમાં અલગ-અલગ મહાપુરુષોના નામે લૉન્ચ કરવામાં આવેલી બિયર વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં મહાત્મા ગાંધીની તસવીર લગાવેલી બિયરની બોટલને લેમન ડ્રોપ હેઝી આઇપીએ ઉત્પાદન જણાવવામાં આવ્યું છે. જેમાં આલ્કોહોલની માત્રા ABV 7.3 છે. ગાંધીજી વાળી બોટલ પર હિન્દુ પ્રતિક ૐ પણ દર્શાવાયું છે.
આ પણ વાંચોઃ આવા વ્યક્તિગત મામલા માટે...' અમેરિકામાં અદાણી મુદ્દે સવાલ થતાં જુઓ PM મોદી શું બોલ્યા
આ પહેલાં ઈઝરયાલની કંપનીએ પણ કર્યું હતું આવું
આ પહેલાં 2019માં એક ઈઝરાયલની કંપનીને પોતાની દારૂની બોટલ પર ગાંધીની તસવીર લગાવવા માટે ફટકાર લગાવવામાં આવી હતી. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે રાજ્યસભાના સભ્યોએ દારૂની બોટલો પર મહાત્મા ગાંધીની તસવીરના આવા ઉપયોગની ચિંતા વ્યક્ત કરી.