રશિયાની સેનામાં સામેલ 45 ભારતીયો મુક્ત, હજુ 50 બાકી, યુદ્ધમાં મોકલનારા એજન્ટો સામે કાર્યવાહી

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
રશિયાની સેનામાં સામેલ 45 ભારતીયો મુક્ત, હજુ 50 બાકી, યુદ્ધમાં મોકલનારા એજન્ટો સામે કાર્યવાહી 1 - image

Russia-Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે રશિયાની સેનામાં ગેરકાયદેસર રીતે સામેલ કરાયેલા ભારતીયો અંગે રશિયન સેના તરફથી મહત્વની વિગતો સામે આવી છે. આ ઉપરાંત ભારત સરકારે પણ યુદ્ધમાં મોકલનારા એજન્ટો સામે કાર્યવાહી કરી હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે.

ભારતીયોને યુદ્ધમાં સામેલ કરવા ગેરમાર્ગે દોરાયા

મળતા અહેવાલો મુજબ, રશિયાએ ગેરકાયદેસર રીતે સેનામાં સામેલ કરાયેલા 45 ભારતીયોને મુક્ત કર્યા છે, જ્યારે હજુ 50થી વધુ ભારતીય નાગરિકો રશિયાની સેનામાં ફસાયેલા છે, જેમના કાઢવા માટે ભારત સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આ તમામ ભારતીયોને યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં સામેલ કરવા માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ઈઝરાયલની વધુ એક એરસ્ટ્રાઈક, કમાન્ડો ઓપરેશન કરવા સેના સીરિયામાં ઘૂસી, ઈરાન લાલઘૂમ

અન્ય ભારતીયોને પણ પરત લવાશે

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારત સરકાર રશિયાની સેનામાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોસ્કોની યાત્રાએ ગયા હતા, જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોદીને આશ્વાસન આપ્યું હતું કે, રશિયા ગેરમાર્ગે દોરી ખોટી રીતે રશિયાની સેનામાં સામેલ કરાયેલા તમામ ભારતીયોને મુક્ત કરશે. આ ભારતીયોને બાદમાં યુક્રેનમાં યુદ્ધમાં મોકલાયા હતા, પરંતુ હવે રશિયાએ તેમની મુક્ત કરવા માટે પગલાં લીધાં છે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીયો કેવી રીતે ફસાયા?

ભારતથી રશિયા મોકલાયેલા ઘણા ભારતીયોને આકર્ષક નોકરીની ઓફર અથવા શંકાસ્પદ ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ આપવાના નામે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આ ભારતીયોને સોશિયલ મીડિયા અને સ્થાનિક એજન્ટો દ્વારા ગેરમાર્ગે દોરી રશિયા મોકલાયા હતા. રશિયા ગયા બાદ તેમના પાસપોર્ટ જપ્ત કરાયા અને તેમને યુદ્ધમાં સેનામાં જોડાવા માટે તાલીમ અપાઈ હતી.

આ પણ વાંચો : કોલકાતા દુષ્કર્મ કેસ: CM મમતા બેનરજી રાજીનામું આપવા તૈયાર, માફી માંગી હડતાળી ડૉક્ટરોને કહ્યું, ‘કામ પર પરત ફરો’

યુદ્ધમાં ચાર ભારતીયોના મોત

રિપોર્ટ મુજબ, રશિયાની સેનામાં આશરે 100 ભારતીય નાગરિકો ફસાયેલા છે અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ચાર ભારતીયોના યુદ્ધમાં મોત થયા છે. ભારતીયોને યુદ્ધમાં મોકલનારા એજન્ટો સામે પણ ભારતમાં કાર્યવાહી થઈ રહી છે અને ઓછામાં ઓછા ચાર લોકોની ધરપકડ કરાઈ છે.


Google NewsGoogle News