રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકનું મોત, વિદેશ મંત્રાલયે કહ્યું- 'તાત્કાલિક તમામને મુક્ત કરો'
Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં એક ભારતીય નાગરિકનું મોત થયા બાદ વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું છે. તે વ્યક્તિ કેરળનો રહેવાસી હતો અને યુદ્ધમાં રશિયન સેના તરફથી લડી રહ્યો હતો. તેની સાથે તેમના કેટલાક સંબંધી પણ હતા જેમને સામાન્ય ઈજા પહોંચી છે.
વિદેશ મંત્રાલયે રશિયાને કહ્યું છે કે, 'રશિયન સેનામાં કામ કરી રહેલા બાકીના નાગરિકોને પણ તાત્કાલિક કાર્યમુક્ત કરવામાં આવે.'
વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'અમને કેરળના એક ભારતીય નાગરિકના દુર્ભાગ્યપૂર્ણ મોત અંગે માહિતી મળી છે, જે રશિયન સેનામાં સેવા આપવા માટે ભરતી થયો હતો. કેરળનો એક અન્ય ભારતીય નાગરિક ઈજાગ્રસ્ત થઈ ગયો છે અને તેને માસ્કોની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. અમે મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.'
રશિયન સેનામાં કામ કરી રહેલા ભારતીય નાગરિકોને લઈને વિદેશ મંત્રાલયે શું કહ્યું?
રશિયન સેનામાં લડતા ભારતીય નાગરિકો અંગે વિદેશ મંત્રાલયે કહ્યું, 'અમે રશિયન અધિકારીઓ સાથે બેઠકો યોજી છે અને રશિયન સેના માટે કામ કરતા ભારતીયોને વહેલી તકે મુક્ત કરવા જણાવ્યું છે.'
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, 'ભારતીય નાગરિકના મૃતદેહને ભારત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મોસ્કોમાં અમારું દૂતાવાસ તેમના પરિવારોના સંપર્કમાં છે અને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. અમે રશિયન અધિકારીઓ સાથે મળીને મૃતકોના અવશેષોને ભારત પરત મોકલવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ડિસ્ચાર્જ માટે પણ વિસ્તૃત વ્યવસ્થા કરી છે. ઘાયલ વ્યક્તિને ભારત પરત મોકલવાની પણ માંગ કરી છે. આજે (14 જાન્યુઆરી 2025) મોસ્કોમાં રશિયન અધિકારીઓ તેમજ નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસ સમક્ષ આ મામલો મજબૂત રીતે ઉઠાવવામાં આવ્યો છે. અમે તેમને ભારત પરત મોકલવાની અમારી માંગણી પણ પુનરાવર્તિત કરી છે.'