‘...તો યુક્રેન-રશિયાનું યુદ્ધ સમાપ્ત થઈ જશે’ PM મોદીને મળ્યા બાદ બોલ્યા ઝેલેન્સ્કી
PM Modi And President Vladimir Zelensky : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે યુક્રેનની મુલાકાત લીધા બાદ હવે પોલેન્ડ (Poland) જવા માટે રવાના થયા છે. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કર્યા બાદ યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લોડિમિર ઝેલેન્સ્કીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘અમે ઈચ્છીએ છીએ કે, યુદ્ધ સમાપ્ત કરવા માટે ભારત અમારો પક્ષ લે, બેલેન્સિંગ પગલું ન ભરે. જો ભારત રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે, તો પણ તેનાથી યુદ્ધ સમાપ્ત થઈ જશે.’
ઝેલેન્સ્કીની ભારત આવવાની ઈચ્છા
ઝેલેન્સ્કીએ વડાપ્રધાનની મુલાકાતને ઐતિહાસિક કહી છે. તેમણે કહ્યું કે, તેઓ વહેલીતકે ભારતની મુલાકાત લેવા ઈચ્છે છે. તેઓ ભારતના લોકો અને વડાપ્રધાન મોદીની મુલાકાત લેવા માંગે છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘જો ભારત રશિયા પાસેથી ક્રુડ નહીં ખરીદે, તો તેનાથી યુદ્ધ સમાપ્ત થઈ જશે.’
આ પણ વાંચો : PM મોદી પુતિનને કેમ ભેટ્યા હતા? યૂક્રેનમાં પૂછાયેલા સવાલનો જયશંકરે આપ્યો જવાબ
‘શાંતિ સ્થાપવા માટે ભારતની મોટી ભૂમિકા’
વ્લોડિમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘અમે ભારત સાથે સંબંધો મજબૂત કરવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે, યુદ્ધ સમાપ્ત કરવા માટે ભારત અમારા તરફ આવે, કોઈ સંતુલનકારી પગલું (balancing act) ન ભરે. ભારતે મોટી ભૂમિકા નિભાવવાની છે. ભારત વિશ્વનું મહત્ત્વનું દેશ છે અને ભારતની શાંતિ સ્થપાવા માટે પણ મોટી ભૂમિકા હોઈ શકે છે.’
રશિયા-યુક્રેનને એકબીજા સાથે વાત કરવી જોઈએ : મોદી
ઉલ્લેખનીય છે કે, યુક્રેનની મુલાકાત પહોંચેલા વડાપ્રધાન મોદીએ આજે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે બેઠક યોજી ચર્ચાઓ શરૂ કરી છે. જેમાં બંને દેશો વચ્ચે ચાર મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મોદીએ જેલેન્સ્કીને મળ્યા બાદ કહ્યું કે, યુદ્ધથી સમસ્યાનું સમાધાન થઈ શકે નહીં. વાતચીત અને રણનીતિના આધારે સમસ્યા ઉકેલાય છે. બંને પક્ષે એકબીજા સાથે વાતચીત શરૂ કરવી જોઈએ. સમય વેડફ્યા વિના રશિયા-યુક્રેનને એકબીજા સાથે વાત કરવી જોઈએ.