કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલન, પગપાળા યાત્રાના રુટમાં 3 શ્રદ્ધાળુઓના દટાઈ જતાં મોત, 3 ગંભીર
Image : IANS |
Kedarnath Landslide: કેદારનાથ પગપાળા માર્ગ પર રવિવારે સવારે એક દુઃખદ ઘટના બની. અહીં પહાડો પર ભૂસ્ખલન થતાં કાટમાળ અને મોટા મોટા પથ્થરો પડતાં 6 શ્રદ્ધાળુઓ દટાઈ ગયા હતા. જેમાંથી 3ના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય 3ની હાલત ગંભીર જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા શ્રદ્ધાળુ
માહિતી અનુસાર 3 શ્રદ્ધાળુઓના મૃતદેહોને કાટમાળમાંથી ભારે જહેમત બાદ કાઢી લેવામાં સફળતા મળી હતી. હજુ પીડિતોની ઓળખ જાહેર થઈ શકી નથી. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી નંદન સિંહે કહ્યું કે અમને સવારે 7:30 વાગ્યે ઘટનાની જાણકારી મળી. જેમાં ચીરબાસા નજીક પર્વત પરથી કાટમાળ અને ભારે પથ્થરો ધસી આવવાની જાણકારી અપાઈ હતી.
બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે
સૂચના મળતાં જ યાત્રા માર્ગમાં તહેનાત સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. જેમાં એનડીઆરએફ, ડીડીઆર, વાયએમએફ તંત્રની ટીમે રેસ્ક્યૂ શરુ કર્યું હતું. ઘાયલોને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. હાલ રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી પણ ચાલી રહી છે.