ચુનાવી હિન્દુ, કાન પર અગરબત્તી અને ગળામાં રુદ્રાક્ષ... ભાજપે જાહેર કર્યું કેજરીવાલનું પોસ્ટર
BJP Attacked on Kejriwal Via Poster: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા 'મુખ્ય મંત્રી મહિલા સન્માન યોજના' બાદ હવે 'પૂજારી-ગ્રંથિ યોજના'ને લઈને ઘમસાણ મચ્યું છે. વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. જ્યાં એક તરફ આમ આદમી પાર્ટી ભાજપ પર 'પૂજારી-ગ્રંથિ યોજના'ને રોકવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ ભાજપ કેજરીવાલને 'ચુનાવી હિન્દુ' ગણાવી રહ્યો છે.
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ આજે પૂજારી ગ્રંથિ સન્માન યોજનાની શરુઆત કરવા જઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા પ્રમાણે આજે પૂજારી ગ્રંથિ સન્માન યોજનાના રજિસ્ટ્રેશન કાર્યક્રમનો આરંભ થશે. આ વચ્ચે ભાજપે એક પોસ્ટર રજૂ કરીને અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે. આ પોસ્ટરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ચૂંટણીલક્ષી હિન્દુ ગણાવ્યા છે.
ભાજપે કેજરીવાલનું પોસ્ટર જારી કર્યું
ભાજપે X હેન્ડલ પર એક પોસ્ટર જારી કર્યું છે જેમાં અરવિંદ કેજરીવાલ કાન પર અગરબત્તી અને ગળામાં રુદ્રાક્ષ પહેરેલા નજર આવી રહ્યા છે. જારી કરવામાં આવેલા આ પોસ્ટરમાં લખ્યું છે- 'ચૂંટણીલક્ષી હિન્દુ'. આ પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં ઘંટીઓ દેખાઈ રહી છે. પોસ્ટરના કૅપ્શનમાં લખ્યું છે કે, 'મંદિરમાં જવું એ મારા માટે માત્ર એક છલ છે, પૂજારીઓનું સન્માન એ મારો ચૂંટણી શો છે, મેં હંમેશા સનાતન ધર્મની મજાક ઉડાવી છે.'
ભાજપે લગાવ્યો આ આરોપ
આ ઉપરાંત ભાજપે પોસ્ટના કૅપ્શનમાં લખ્યું કે, 'જે 10 વર્ષ સુધી ઈમામોને પગાર વહેંચતા રહ્યા, જેઓ ખુદ અને તેમના નાની ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણથી ખુશ ન હતા, જેમણે મંદિર અને ગુરુદ્વારાની બહાર દારૂની દુકાનો ખોલી, જેની આખી રાજનીતિ હિંદુ વિરોધી રહી, તેમને હવે ચૂંટણી આવતાં જ પૂજારીઓ અને ગ્રંથિઓની યાદ આવી?
મને અપશબ્દો બોલવાથી શું ફાયદો થશે?
આ પહેલા અરવિંદ કેજરીવાલે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, જ્યારથી પૂજારી ગ્રંથિ સન્માન યોજનાની જાહેરાત થઈ છે ત્યારથી ભાજપ મને અપશબ્દો બોલી રહી છે. મારો તેમને સવાલ છે કે શું મને અપશબ્દો બોલવાથી દેશને ફાયદો થશે? 20 રાજ્યોમાં તમારી સરકાર છે. ગુજરાતમાં તો તમે 30 વર્ષથી સત્તા પર છો. તમે ત્યાંના પૂજારીઓ અને ગ્રંથિઓનું અત્યાર સુધી સન્માન કેમ ન કર્યું? ચાલો હવે તો કરીએ? હવે મેં બધાને રસ્તો બતાવ્યો છે. મને અપશબ્દો બોલવાના બદલે તમે તમારા વીસ રાજ્યોમાં આનો અમલ કરો, તો બધાને ફાયદો થશે? મને શા માટે અપશબ્દો કહી રહ્યા છો?