વક્ફ બિલ મુદ્દે JPC મીટિંગમાં હોબાળો, માર્શલ બોલાવવા પડ્યા: વિપક્ષના 10 સાંસદ સસ્પેન્ડ
Waqf JPC Meeting Marshall: લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં અનુસાર વક્ફ (સુધારા) બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિએ (JPC) આજે દિલ્હીમાં 11:00 વાગ્યે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વક્ફ સુધારા બિલ પર JPCની બેઠકમાં હોબાળો થયો છે. આ હોબાળો જોઈને માર્શલ બોલાવવામાં આવ્યું. અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત 10 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષના સાંસદોનો આક્ષેપ છે કે, 'અમારી વાત નથી સાંભળવામાં આવતી.'
JPCની બેઠકમાં કેમ થયો હોબાળો?
વક્ફ પર જેપીસીમાં વિપક્ષી દળોના સભ્યોના હોબાળા પાછળનું મુખ્ય કારણ સમિતિના સભ્યોની માંગ હતી કે રિપોર્ટને અપનાવવાની તારીખ બદલીને 31 જાન્યુઆરી કરવામાં આવે. અગાઉ આ અંગે ચર્ચા માટે 24મી અને 25મી જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ગુરુવારે મોડી રાત્રે તારીખ બદલીને 27 જાન્યુઆરી કરવામાં આવી હતી. વિપક્ષી સાંસદોની માંગ એવી હતી કે મીટીંગ 27 જાન્યુઆરીના બદલે 31 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવે.
જેપીસી રિપોર્ટ 27 કે 28 જાન્યુઆરીએ સબમિટ કરવામાં આવી શકે છે
આ હોબાળો જોઈને માર્શલ બોલાવવામાં આવ્યું. ત્યારબાદ જેપીસી પ્રમુખ જગદંબિકા પાલ દ્વારા વિપક્ષના અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત 10 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષના સાંસદોનો આક્ષેપ છે કે, 'અમારી વાત નથી સાંભળવામાં આવતી.' જો કે આ પહેલા પણ આ બેઠકમાં વિવાદો થયા છે. વક્ફ પર જેપીસીની આ બેઠક બે દિવસ સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેપીસી રિપોર્ટ 27 કે 28 જાન્યુઆરીએ સબમિટ કરવામાં આવી શકે છે.
ચર્ચા દરમિયાન વિપક્ષના સાંસદો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. જે બાદ અધ્યક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. TMC, DMK, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓને JPCમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ 10 સાંસદોને દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા
બેઠકમાં હોબાળા બાદ તમામ 10 વિપક્ષી સાંસદોને વક્ફ સુધારા બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ રાજા, અસદુદ્દીન ઓવૈસી, નાસિર હુસૈન, મોહિબુલ્લાહ, એમ અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમુલ હક, ઈમરાન મસૂદનો સમાવેશ થાય છે.
બેઠકમાં કટોકટી જેવું વાતાવરણઃ બેનર્જી
વક્ફ સુધારા બિલ 2024 પર સંસદ સંકુલમાં યોજાયેલી જેપીસીની બેઠક પર કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, 'બેઠકમાં અઘોષિત કટોકટી જેવું વાતાવરણ ચાલી રહ્યું છે. અધ્યક્ષ આ બેઠકને આગળ લઈ રહ્યા છે અને તેઓ કોઈનું સાંભળી રહ્યા નથી. અમને કહેવામાં આવ્યું હતું કે 24 અને 25 જાન્યુઆરીએ બેઠક યોજાશે. હવે આજની મીટીંગનો એજન્ડા બદલી નાખવામાં આવ્યો છે.'