RSSના દિગ્ગજોના નિવેદનના ટાઈમિંગ પર ઊઠ્યા સવાલ, કોંગ્રેસે કહ્યું- 'જબ ચીડિયા ચુગ ગઈ ખેત..'
Image : IANS |
RSS and BJP News | લોકસભા ચૂંટણીમાં સત્તારુઢ ભાજપના ખરાબ પરફોર્મન્સ અંગે પાર્ટી સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં પણ મંથન ચાલી રહ્યું છે. જોકે આરએસએસના નેતાઓ દ્વારા ભાજપ વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. સંઘના સંચાલક મોહન ભાગવતથી લઈને આરએસએસ નેતા ઈન્દ્રેશ કુમાર ઈશારામાં ભાજપ સામે નિશાન તાકી ચૂક્યા છે.
શું બોલ્યા હતા આરએસએસ નેતા?
આરએસએસની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઈન્દ્રેશ કુમારે પાર્ટીને ઈશારામાં જ અહંકારી ગણાવી દીધી. જ્યારે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે એક સાચો સેવક અહંકારી ન હોવો જોઈએ. તેમણે મણિપુરમાં ફેલાયેલી અશાંતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
કોંગ્રેસ શું બોલી?
આરએસએસ નેતાઓના નિવેદનો વચ્ચે કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે આરએસએસને કોઈ ગંભીરતાથી લેતું નથી. મોદી ખુદ ગંભીરતાથી લેતા નથી. જ્યારે બોલવાનો સમય હતો ત્યારે ન બોલ્યા. દરેક જિલ્લામાં આરએસએસ કાર્યાલય બની રહ્યા હતા. હવે જ્યારે ચિડિયા ચુગ ગઈ ખેત તો તમે બોલવા લાગ્યા. પહેલા મોદી તેમની વાત સાંભળી લે પછી અમે સાંભળીશું.
વૉર ઓફ પોઝિશન ચાલી રહ્યું છે : મનોજ ઝા
અગાઉ ઈન્દ્રેશ કુમારના આ નિવેદન પર આરજેડી નેતા અને રાજ્યસભા સાંસદ મનોજ ઝાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે આ સંગઠનમાં જે થઈ રહ્યું છે તે વૉર ઓફ પોઝિશન છે. ઈન્દ્રેશ જીને એક વાત કહેવા માગુ છું કે રામદ્રોહી કોઈ નથી. મર્યાદા પુરષોત્તમના ચરિત્રને માને છે જે બાપુ માનતા હતા. બાકી થશે એ જે રામને સ્વીકાર્ય છે.