શું મહારાષ્ટ્રમાં ફરી ખેલ કરશે ભાજપ? RSSની પત્રિકામાં પવારનું નામ ઉછળતા ફરી અટકળો તેજ

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
Ajit Pawar


Maharashtra Politics : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભારે કમઠાણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં એકતરફ અજિત પવારના ચાર નેતાઓએ પાર્ટી છોડીને શરદ પવારનો હાથ પકડી લીધો છે, તો બીજીતરફ RSSની મરાઠી પત્રિકામાં લોકસભા ચૂંટણીનો ઉલ્લેખ કરી અજિત પવાર પર આકરા પ્રહારો કરાયા છે. વાસ્તવમાં પત્રિકામાં એક આર્ટિકલ છપાયો છે, જેમાં રાજ્યની લોકસભા ચૂંટણીમાં ભાજપે મોટું નુકસાન થવા પાછળ અજિતની રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)ને જવાબદાર ઠેરવ્યું છે.

RSSને NCP સાથેના ગઠબંધનથી વાંધો પડ્યો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની મરાઠી પત્રિકાએ ભાજપે (BJP) અજિત પવારની પાર્ટી સાથે કરેલા ગઠબંધનથી વાંધો ઉઠાવ્યો છે. પત્રિકાના એક લેખમાં લખાયું છે કે, ભાજપે એનસીપી સાથે ગઠબંધન કરવાના કારણે મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી (Maharashtra Lok Sabha Election 2024)માં ભાજપે તદ્દન નબળું પ્રદર્શન કર્યું છે.

‘કાર્યકર્તાઓ હતાશ નથી, પરંતુ મૂંઝવણમાં’

આરએસએસના મેગેઝિન ‘વિવેક’માં ‘કાર્યકર્તાઓ હતાશ નથી, પરંતુ મૂંઝવણમાં’ હેડિંગથી એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, તેમાં રાજ્યમાં ભાજપના બેકફૂટનું કારણ પાર્ટી અને કાર્યકર્તાઓ વચ્ચેના સંવાદનો અભાવ પણ જવાબદાર હોવાનો ઉલ્લેખ કરાયો છે.

આ પણ વાંચો : યુવાનોને દર મહિને મળશે 6થી 10 હજાર રૂપિયા: લાડલી બહેન બાદ લાડલા ભાઈ યોજના, આ રાજ્યમાં NDA સરકારનો મોટો નિર્ણય "

શિવસેના સાથે ભાજપનું ગઠબંધન સ્વાભાવિક

મેગેઝિનમાં વધુમાં લખાયું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde)ની શિવસેના (Shiv Sena) સાથે ભાજપનું ગઠબંધન સ્વાભાવિક હતું અને મતદારોએ પણ તેમના ગઠબંધનનો સ્વિકાર કર્યો છે. જોકે પછી અજિત પવાર (Ajit Pawar)ની એનસીપી એન્ટ્રી થતા મતદારોની ભાવનાઓ વિપરીત દિશામાં જતી રહી.

ભાજપ કાર્યકર્તાઓને પણ એનસીપીથી વાંધો

આરએસએસની પત્રિકામાં એમ પણ ઉલ્લેખ કરાયો છે કે, ‘તમામ કાર્યક્તાઓએ લોકસભા ચૂંટણીમાં હારના કારણોની ચર્ચા કરવાની સાથે એનસીપી સાથે ગઠબંધનની પણ ચર્ચાઓ શરૂ કરી દીધી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, ભાજપના કાર્યકર્તાઓ એનસીપીને સાથે રાખી ચાલવા માંગતા ન હતા.’

ચાર દિગ્ગજ નેતાઓએ અજિત પવારની પાર્ટી છોડી

ઉલ્લેખનીય છે કે, એનસીપી નેતા અજિત પવારની મુશ્કેલીઓ વધી રહી છે. લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને રાયગઢમાં માત્ર એક બેઠક પર જ જીત મેળવી શકી હતી. આ હારને ભૂલીને પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી હતી. જો કે ચાર મોટા નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. પિંપરી ચિંચવડના ચાર ટોચના નેતાઓએ અજિત પવારની પાર્ટીને છોડી દીધી છે. આ ચારેય નેતા હવે શરદ પવારની પાર્ટીમાં સામેલ થઈ શકે તેવી અટકળો લગાવાઈ રહી છે. પિંપરી ચિંચવડ યુનિટના અધ્યક્ષ અજિત ગવહાણેએ પોતાનું રાજીનામું અજિત પવારને મોકલી દીધું છે. આ ઉપરાંત વિદ્યાર્થી પાંખના વડા યશ સાને, પૂર્વ કાઉન્સિલર રાહુલ ભોસલે અને પંકજ ભાલેકર પણ પક્ષ બદલવાની તૈયારી કરી રહ્યા છે. 

આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર 600 હેન્ડીમેનની ભરતી સામે 25 હજારની અરજી, નાસભાગનો VIDEO વાયરલ

લોકસભા ચૂંટણીમાં મહાયુતિ બેકફૂટ પર

મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીની વાત કરીએ તો રાજ્યની કુલ 48 બેઠકોમાંથી કોંગ્રેસે (Congress) શ્રેષ્ઠ પ્રદર્શન કરી 13 બેઠકો જીતી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની પાર્ટી શિવસેના યુબીટીએ નવ અને શરદ પવાર (Sharad Pawar)ની પાર્ટી એનસીપીએ આઠ બેઠકો જીતી છે. આ ત્રણે પક્ષો મહા વિકાસ આઘાડી (MVA) ગઠબંધનના સાથી પક્ષો છે. આમ આ ગઠબંધને કુલ 30 બેઠકો જીતી છે. જ્યારે મહાયુતિ ગઠબંધનના સાથી પક્ષો ભાજપે નવ, શિંદેની શિવસેનાએ સાત અને અજિતની એનસીપીએ એક બેઠક જીતી છે, આમ આ ગઠબંધને કુલ 17 બેઠકો જીતી છે.

2019ની લોકસભા ચૂંટણીનું ચિત્ર

રાજ્યમાં ગત લોકસભા ચૂંટણીની વાત કરીએ તો, ભાજપે રાજ્યની 48 લોકસભા બેઠકો 25 બેઠકો પર ઉતારેલા ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોનો વિજય થયો હતો, જ્યારે શિવસેનાએ રાજ્યના 23 ઉમેદવારોમાંથી 18, એનસીપીના 19માંથી ચાર, કોંગ્રેસના 25માંથી એક ઉમેદવારનો વિજય થયો હતો. જ્યારે AIMIMએ એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો હતો અને તેનો વિજય થયો હતો. જ્યારે એક બેઠક અપક્ષને ફાળે પણ ગઈ હતી. 

અજિત પવારે ગયા વર્ષે બળવો કર્યો હતો

નોંધનીય છેકે અજિત પવારે ગયા વર્ષે તેમના કાકા સામે બળવો કરીને NCPના લગભગ 40 ધારાસભ્યો સાથે સરકાર સાથે ગઠબંધન કરીને ડેપ્યુટી સીએમ બન્યા હતા. શરદ પવારે ગયા મહિને જ કહ્યું હતું કે 'જે લોકો પાર્ટીને નબળી પાડવા માંગે છે તેમને સ્વીકારવામાં આવશે નહીં. પરંતુ એવા નેતાઓ જેમણે સંગઠનને મજબૂત કર્યું છે અને પક્ષની છબી ખરાબ કરી નથી તેઓને પ્રવેશ આપવામાં આવશે.'

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપ ટેન્શનમાં : ચાર દિગ્ગજ નેતાઓએ અજિત પવારની પાર્ટી છોડી


Google NewsGoogle News