RSS પણ શોધે છે મોદીનો વિકલ્પ, સરકાર બનશે તો પણ નહીં ટકેઃ આ નેતાના નિવેદનથી રાજકીય ગરમાવો
Sanjay Raut Attack On Devendra Fadnavis : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની ચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શનની જવાબદારી લઈ ગઈકાલે રાજીનામાની ઓફર કરી હતી. હવે આ મુદ્દે શિવસેનાના નેતા સંજય રાઉતે આજે (06 જૂન) તેમના પર શાબ્દિક પ્રહારો કર્યા છે. રાઉતે ફડણવીસને મહારાષ્ટ્રના રાજકારણના ખલનાયક ગણાવ્યા છે. રાઉતે ફડણવીસ પર ઘણા પરિવારોને બરબાદ કરવાનો અને રાજકીય બદલાનો સહારો લેવાનો આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપે માત્ર નવ બેઠકો જીતી છે. અગાઉની ચૂંટણીમાં તેણે 23 બેઠકો જીતી હતી.
‘ફડણવીસે રાજકીય બદલો લેવા માટે ઘણા પરિવારોને બરબાદ કર્યા’
દિલ્હીમાં મીડિયાને સંબોધતા રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ‘જો મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં કોઈ ખલનાયક છે, તો તે દેવેન્દ્ર ફડણવીસ છે. લોકસભા ચૂંટણી (Lok Sabha Elections Result 2024)માં ભાજપની હારનું કારણ ફડણવીસ છે. તેમણે રાજકીય બદલો લેવા માટે ઘણા પરિવારોને બરબાદ કર્યા છે.
RSS મોદીનો વિકલ્પ શોધે છે : સંજય રાઉત
તેમણે વધુમાં કહ્યું કે, ‘જો નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બળજબરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો પ્રયાસ કરશે તો તેમની સરકાર લાંબો સમય ટકશે નહીં.’ તેમણે દાવો કર્યો છે કે, ‘આરએસએસ મોદીનો વિકલ્પ શોધી રહી છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળ્યા બાદ મોદી અને અમિત શાહે આરએસએસ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.’
‘આરએસએસ મોદીને ઘર ભેગા કરી શકે છે’
તેમણે કહ્યું કે, ‘હાલ આરએસએસ એવી સ્થિતિમાં છે જ્યાં તેઓ નિર્ણય લઈ શકે છે અને મોદીને ઘર ભેગા કરી શકે છે. મોદી પાર્ટીની અંદર વિરોધનો સામનો કરી રહી છે. મારી માહિતી મુજબ સંઘનું ટોચનું નેતૃત્વ વિકલ્પો શોધી છે. મોદી વડાપ્રધાન ન બની શકે, કારણ કે તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં હારી ગયા છે. મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવી અને ભાજપને બહુમતી મળી નથી. આગામી સરકાર બીજાના ભરોસે બનશે.’
ભાજપના નબળા પ્રદર્શન ફડણવીસે શું કહ્યું હતું?
ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે મીડિયાને સંબોધતા રાજ્યમાં ભાજપના નબળા પ્રદર્શનની જવાબદારી સ્વિકારી રાજીનામાની ઓફર કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રમાં ભાજપનું નેતૃત્વ મારા હાથમાં હતું, તેથી હું પક્ષના ખરાબ પ્રદર્શનની જવાબદારી લઉ છું. હું આગામી ચૂંટણીઓમાં પક્ષ માટે વધુ મહેનત કરવા માંગું છું, તેથી હું ભાજપ હાઈકમાન્ડને વિનંતી કરું છું કે, તેઓ મને સરકારની જવાબદારીમાંથી મુક્ત કરે.’ જોકે હજુ સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે, તેમનું રાજીનામાનો સ્વિકાર કરાયો છે કે નહીં.
એકનાથ શિંદેએ ફડણવીસનો કર્યો બચાવ
ફડણવીસે રાજીનામાની ઓફર કર્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રની લોકસભા ચૂંટણીમાં હાર એ મહાયુતિની ત્રણેય પાર્ટીઓની સામૂહિક જવાબદારી છે. ભાજપ, શિવસેના અને એનસીપીએ ચૂંટણીમાં સાથે મળીને કામ કર્યું હતું. જો આપણે વોટ શેર પર નજર કરીએ તો, મહાયુતિને મુંબઈમાં બે લાખથી વધુ મતો મળ્યા છે. હારના કારણોની ઈમાનદારીથી સમીક્ષા કરવામાં આવશે. હું ટૂંક સમયમાં દેવેન્દ્રજી સાથે વાત કરીશ. અમે ત્રણે પક્ષો પહેલા પણ સાથે મળીને કામ કરતા અને આગામી સમયમાં પણ સાથે મળીને કામ કરતા રહીશું. અમે વિપક્ષના ખોટા દાવાઓનો સામનો કરવામાં સામૂહિક રીતે નિષ્ફળ ગયા છીએ.’
મહારાષ્ટ્રનું લોકસભા ચૂંટણી ચિત્ર
મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીના પરિણામો (Maharashtra Lok Sabha Elections Result 2024)ની વાત કરીએ તો રાજ્યની 48 બેઠકોમાંથી કોંગ્રેસ (Congress) 13 બેઠકો પર, શિવસેના યુબીટી (Shiv Sena UBT) નવ બેઠકો પર અને શરદ પવારની પાર્ટી એનસીપી (NCPSP) આઠ બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપ (BJP) નવ બેઠકો પર, શિંદેની શિવસેના સાત, અજિત પવારની એનસીપીએ એક બેઠક જીતી છે. આમ રાજ્યમાં ઈન્ડિ ગઠબંધ (I.N.D.I. Alliance)ને 30 બેઠકો અને NDAએ 17 બેઠકો જીતી છે.
2019ની લોકસભા ચૂંટણીનું ચિત્ર
રાજ્યમાં ગત લોકસભા ચૂંટણીની વાત કરીએ તો, ભાજપે રાજ્યની 48 લોકસભા બેઠકો 25 બેઠકો પર ઉતારેલા ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોનો વિજય થયો હતો, જ્યારે શિવસેનાએ રાજ્યના 23 ઉમેદવારોમાંથી 18, એનસીપીના 19માંથી ચાર, કોંગ્રેસના 25માંથી એક ઉમેદવારનો વિજય થયો હતો. જ્યારે AIMIMએ એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો હતો અને તેનો વિજય થયો હતો. જ્યારે એક બેઠક અપક્ષને ફાળે પણ ગઈ હતી.