Get The App

ઉત્તરપ્રદેશમાં મોદીનો વારસો યોગી જ સંભાળશે, આરએસએસની બેઠકમાં અપાયા સ્પષ્ટ સંકેત

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
ઉત્તરપ્રદેશમાં મોદીનો વારસો યોગી જ સંભાળશે, આરએસએસની બેઠકમાં અપાયા સ્પષ્ટ સંકેત 1 - image


Yogi Adityanath and PM Modi News | લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ દેખાવ પછી રાજ્યમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પદ પરથી હટાવવા નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યને આગળ ધરીને કેન્દ્રીય નેતૃત્વ તૈયારી કરી રહ્યું હોવાના દાવા થઈ રહ્યા છે. આવા સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સીએમ યોગીની વહારે આવ્યું છે. સંઘના આ વલણથી અમિત શાહને મોટો ફટકો પડયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના ખરાબ દેખાવ પછી રાજ્ય એકમમાં સીએમ યોગીને હટાવવા પક્ષની અંદરથી જ પ્રયત્નો શરૂ થયા હોવાનો દાવો થઈ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે ભાજપ અને આરએસએસના વરિષ્ઠ નેતાઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સ્વયંસંવેક સંઘના નેતાઓએ ઉત્તર પ્રદેશ ભાજપના નેતાઓને સીએમ યોગી વિરૂધ્ધ નિવેદનો બંધ કરવા કહી દીધું છે. સંઘના નેતાઓએ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક એ બે નાયબ મુખ્યમંત્રી સહિતના ભાજપના નેતાઓને સાફ શબ્દોમાં જણાવ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં યોગી જ ભાજપના નેતા છે અને ભવિષ્યની ચૂંટણીઓ પણ યોગીના નેતૃત્વમાં જ લડાશે.

સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે, સંઘના નેતાઓએ યોગી ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરે મહત્વની ભૂમિકા ભજવશે એવું પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે. સંઘના નેતાઓનું વલણ નરેન્દ્ર મોદીના રાજકીય વારસ બનવા થનગનતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ માટે મોટા ફટકા સમાન છે. સંઘે આડકતરી રીતે સીએમ યોગી આદિત્યનાથ ભવિષ્યમાં નરેન્દ્ર મોદીના સ્થાને ભાજપનું નેતૃત્વ કરશે એવો સ્પષ્ટ સંકેત આપી દીધો હોવાનું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. 

સૂત્રોનો દાવો છે કે, થોડા સમય પહેલાં રાજનાથસિંહના નિવાસસ્થાને મળેલી બેઠકમાં પણ સંઘના નેતાઓએ અમિત શાહ સહિતના નેતાઓને યોગી આદિત્યનાથની અવગણના બંધ કરવા કહી દીધું હતું. ભાજપના નેતાઓને એ વખતે જ કહી દેવાયેલું કે, યોગી વિના ઉત્તર પ્રદેશમાં ભાજપ જીતી શકે તેમ નથી તેથી તેમને દૂર કરવાની વાત પણ કરતા નહીં. 

સંઘના નેતાઓના આ આદેશ પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સતત ટીકા કરતા કેશ પ્રસાદ મૌર્યના વલણમાં નાટકીય પરિવર્તન આવ્યું છે. મૌર્ય હવે યોગીની પ્રસંશા કરવા લાગ્યા છે. નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યે હમણાં સીએમ યોગીને દેશના શ્રેષ્ઠ મુખ્યમંત્રી પણ ગણાવ્યા હતા.

ઉત્તર પ્રદેશમાં નજીકના સમયમાં વિધાનસભાની ૧૦ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. સંઘે આ ચૂંટણીમાં ભાજપના નેતાઓને એક થઈને લડવા અને વ્યૂહરચના ઘડવાની સલાહ આપી છે. સંઘના મતે, લોકસભાની ચૂંટણીમાં ભાજપે યોગી આદિત્યનાથની અવગણનાની આકરી કિંમત ચૂકવી છે. આ પરિણામોનું પુનરાવર્તન રોકવા માટે ભાજપના નેતાઓએ સમાજવાદી પાર્ટી સામે એક થઈને લડવું પડશે. 

યોગીના લખનઉના ૩ કાલિદાસ માર્ગ ખાતેના સત્તાવાર નિવાસસ્થાને મળેલી બેઠકમાં યોગી ઉપરાંત કેશવ પ્રસાદ મૌર્ય, બ્રિજેશ પાઠક, યુપી પ્રદેશ ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી ભાજપ તરફથી જ્યારે આરએસએસ તરફથી સહસરકાર્યવાહ અરૂણકુમાર હાજર રહ્યા હતા.


Google NewsGoogle News