દત્તાત્રેય હોસબાલે ફરી બન્યા RSSના સરકાર્યવાહ, નાગપુરમાં યોજાઈ સંઘની પ્રતિનિધિ સભા

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
દત્તાત્રેય હોસબાલે ફરી બન્યા RSSના સરકાર્યવાહ, નાગપુરમાં યોજાઈ સંઘની પ્રતિનિધિ સભા 1 - image


Dattatreya Hosabale News : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ ફરી એકવાર સરકાર્યવાહના પદ માટે દત્તાત્રેય હોસબાલેને પસંદ કર્યા છે. તેઓ વર્ષ 2024 થી 2027 સુધી આ પદ પર કાર્યરત રહેશે. જણાવી દઈએ કે, હોસબાલે 2021થી સરકાર્યવાહની જવાબદારી નિભાવી રહ્યા છે.

નાગરપુરમાં ચાલી રહેલી પ્રતિનિધિ સભામાં 17 માર્ચે તેનું એલાન કરાયું. જણાવી દઈએ કે, આજે આ બેઠકનો અંતિમ દિવસ છે. સંઘની પ્રતિનિધિ સભાએ સર્વસમ્મતિથી ફરી એકવાર આગામી ત્રણ વર્ષ માટે દત્તાત્રેયને સરકાર્યવાહ પસંદ કર્યા છે. વર્ષ 2021 પહેલા તેઓ સહ સરકાર્યવાહ તરીકે જવાબદારી સંભાળતા હતા. દત્તાત્રેય પહેલા ભૈયાજી જોશી સરકાર્યવાહની જવાબદારી નિભાવી રહ્યા હતા.

કોણ છે દત્તાત્રેય હોસબાલે?

દત્તાત્રેય હોસબાલે કર્ણાટકના શિમોગાના રહેવાસી છે. એક ડિસેમ્બર, 1955માં જન્મેલા હોસબાલે માત્ર 13 વર્ષની ઉંમરમાં વર્ષ 1968માં આરએસએસથી જોડાઈ ગયા હતા. વર્ષ 1972માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)થી જોડાયેલા છે. હોસબાલેએ બેંગલોર યુનિવર્સિટીથી અંગ્રેજીમાં સ્નાતક થયા. દત્તાત્રેય હોસબાલે એબીવીપી કર્ણાટકના પ્રદેશ સંગઠન મંત્રી રહ્યા. ત્યારબાદ એબીવીપીના રાષ્ટ્રીય મંત્રી અને સહ સંગઠન મંત્રી રહ્યા. અંદાજિત બે દાયકા સુધી એબીવીપીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી રહ્યા. ત્યારબાદ અંદાજિત 2002-03માં સંઘના અખિલ ભારતીય સહ બૌદ્ધિક પ્રમુખ બનાવાયા. તેઓ વર્ષ 2009 થી સહ સરકાર્યવાહ હતા. દત્તાત્રેય હોસબાલેને માતૃભાષા કન્નડ સહિત અંગ્રેજી, તામિલ, મરાઠી, હિન્દી અને સંસ્કૃત સહિતની ભાષાઓનું જ્ઞાન છે.

14 મહિના સુધી 'મીસા' અંતર્ગત જેલમાં રહ્યા

દત્તાત્રેય હોસબાલે વર્ષ 1975-77ના જેપી આંદોલનમાં પણ સક્રિય હતા અને લગભગ પોણા બે વર્ષ સુધી 'મીસા'ના અંતર્ગત જેલમાં રહ્યા. જેલમાં હોસબાલેએ બે હસ્તલિખિત પત્રિકાઓનું સંપાદન પણ કર્યું. જેમાંથી એક કન્નડ ભાષાની માસિક પત્રિકા અસીમા હતી.

સંઘની દર ત્રણ વર્ષે ચૂંટણી યોજાય છે

જણાવી દઈએ કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં દર ત્રણ વર્ષે ચૂંટણી યોજાય છે. જેમાં જિલ્લા સંઘચાલક, વિભાગ સંઘચાલક, પ્રાંત સંઘચાલક, ક્ષેત્ર સંઘચાલકની સાથો સાથ સરકાર્યવાહની ચૂંટણી થાય છે. પછી આ લોકો પોતાની ટીમની જાહેરાત કરે છે, જે આગામી ત્રણ વર્ષ સુધી કામ કરે છે. જરૂરિયાત અનુસાર વચ્ચે કેટલાક પદો પર ફેરફાર થતો રહે છે. ક્ષેત્ર પ્રચારક અને પ્રાંત પ્રચારકોની જવાબદારીમાં ફેરફાર પણ પ્રતિનિધિ સભાની બેઠકમાં થાય છે. સંઘમાં પ્રતિનિધિ સભા નિર્ણય લેવાનો વિભાગ છે.


Google NewsGoogle News