RSS માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત, કોર્ટે કહ્યું, ‘તેમને ઝડપી નિર્ણય મેળવવાનો અધિકાર’
Rahul Gandhi RSS Defamation Case : રાષ્ટ્રીય સ્વયંસેવ સંઘ (RSS) વિશે વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં બોમ્બે હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાહત આપી છે. કોર્ટે કહ્યું કે, રાહુલ ગાંધીને વર્ષ 2014ની બદનક્ષીની ફરિયાદમાં કરાયેલા આક્ષેપના આધારે ઝડપી નિર્ણય લેવાનો કાયદેસરનો અધિકાર છે. આ ઉપરાંત કોર્ટે બિનજરૂરી રીતે કેસને લંબાવવા મુદ્દે તેમજ કોંગ્રેસ નેતાની ઝડપી સુનાવણી માંગમાં અડચણ ઉભી કરવા મામલે આરએસએસના કાર્યકર્તાની ઝાટકણી કાઢી છે.
તમામને ઝડપી સુનાવણીનો અધિકાર
ન્યાયાધીશ પૃથ્વીરાજ ચવ્હાણની એકલ પીઠે 12 જુલાઈના આદેશમાં કહ્યું કે, બંધારણની કલમ 21 મુજબ તમામને ઝડપી સુનાવણીનો અધિકાર છે અને સ્વતંત્ર તેમજ નિષ્પક્ષ સુનાવણી એવી બાબત છે, જે ખૂબ જ જરૂરી છે.
હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી સ્વિકારી
2014થી ચાલી રહેલા આ કેસમાં 2023માં એક ન્યાયાધીશે આરએસએસના કાર્યકર્તાને નવા અને વધારાના દસ્તાવેજ રજુ કરવાની મંજૂરી આપી હતી તેમજ કોર્ટે કુંટેને રાહુલના ભાષણની નકલ પર વિશ્વાસ વ્યક્ત કરવાની મંજૂરી આપી હતી. જોકે રાહુલ ગાંધીએ તેનો વાંધો ઉઠાવી બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી ન્યાયાધીશના આદેશને રદ કરવાની માંગ કરી હતી, જેને બોમ્બે હાઈકોર્ટે સ્વિકારી લીધી છે.
RSSના કાર્યકર્તાએ રાહુલ વિરુદ્ધ કર્યો છે કેસ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં આરએસએસના કાર્યકર્તા રાજેશ કુંટેએ ભિવંડીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં માનહાનિની ફરિયાદ નોંધાવી દાવો કર્યો છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક ભાષણમાં ખોટું અને વાંધાજનક નિવેદન કરી કહ્યું હતું કે, મહાત્મા ગાંધીની હત્યા માટે આરએસએસ જવાબદાર છે.
આ પણ વાંચો : જાણીતા અર્થશાસ્રીએ કહ્યું - રાહુલ ગાંધી હવે મેચ્યોર થયા પણ એક પરીક્ષા હજુ બાકી
2023માં કાર્યકર્તાને નકલ રજુ કવાની મંજૂરી અપાઈ હતી
વર્ષ 2014માં રાહુલ ગાંધી દ્વારા એક અરજી દાખલ કરી સમન્સને રદ કરવાની માંગ કરવામાં આવી હતી, જોકે આ અરજીના સંદર્ભમાં આરએસએસ કાર્યકર્તાએ વર્ષ 2023માં મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાની ભિવંડીની મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કર્યા બાદ કોર્ટે કુંટેને રાહુલના ભાષણની નકલ રજુ કરવા મંજૂરી આપી હતી. આ ઉપરાંત કોર્ટે કુંટેને રાહુલના ભાષણની નકલ પર વિશ્વાસ વ્યક્ત કરવાની મંજૂરી અપાઈ હતી. કુંટેએ દલીલ કરી કે, તેમની અરજીના ભાગ રૂપે ટ્રાન્સક્રિપ્ટનો સમાવેશ કરીને, રાહુલ ગાંધીએ ભાષણ અને તેના વિષયવસ્તુને સ્પષ્ટપણે સ્વીકાર્યું છે. આ પછી કોંગ્રેસ નેતાએ મેજિસ્ટ્રેટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
કોર્ટે આરએસએસ કાર્યકર્તાની ઝાટકણી કાઢી
બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ ચવ્હાણે આદેશ દરમિયાન કુંટેની ઝાટકણી કાઢી પ્રશ્ન કર્યો છે કે, તમારા વર્તનને કારણે કેસમાં બિનજરૂરી વિલંબ અને લંબાઈ રહ્યો છે.