RSS પ્રમુખની મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે બેઠક, બંને સમુદાય વચ્ચે મતભેદ દૂર કરવાની જરૂર પર જોર અપાયું
- તાજેતરની બેઠકમાં જ્ઞાનવાપી મસ્જિદ અને નૂપુર શર્માની વર્તમાન ટિપ્પણીઓના કારણે જે વિવાદ થયો તે સહિતના મુદ્દે કોઈ ચર્ચા નથી થઈ
નવી દિલ્હી, તા. 21 સપ્ટેમ્બર 2022, બુધવાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે અનેક મુસ્લિમ બુદ્ધિજીવીઓની મુલાકાત લીધી હતી અને વર્તમાન વિવાદો તથા દેશમાં ધાર્મિક સમાવેશ મજબૂત કરવાના વિકલ્પો અંગે ચર્ચા કરી હતી. મોહન ભાગવત પૂર્વ મુખ્ય ચૂંટણી અધિકારી એસ. વાઈ. કુરૈશી અને દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગ સહિતના અનેક મુસ્લિમ બુદ્ધીજીવીઓને મળ્યા હતા.
એક તરફ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુનાવણી ચાલી રહી છે. ત્યારે મોહન ભાગવતની મુસ્લિમ બુદ્ધીજીવીઓ સાથેની બેઠકમાં સાંપ્રદાયિક સદ્ભાવને મજબૂત કરવા એક મંચ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેઠકમાં જ્ઞાનવાપી, નૂપુર શર્મા વિવાદ મામલે કોઈ ચર્ચા નહીં
મોહન ભાગવતે સંઘના દિલ્હી સ્થિત કામચલાઉ કાર્યાલય ઉદાસીન આશ્રમ ખાતે બંધ બારણે બેઠક યોજી હતી. તેમાં અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ લેફ્ટિનેન્ટ જનરલ (સેવાનિવૃત્ત) જમીરૂદ્દીન શાહ, પૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકી અને પરોપકારી સઈદ શેરવાની સહિતના મુસ્લિમ બુદ્ધિજીવીઓ સામેલ થયા હતા.
આશરે 2 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત બનાવવા અને આંતર-સામુદાયિક સંબંધોમાં સુધારા મામલે વ્યાપક ચર્ચાઓ થઈ હતી. જોકે બેઠકમાં જ્ઞાનવાપી મસ્જિદ અને નૂપુર શર્માની વર્તમાન ટિપ્પણીઓના કારણે જે વિવાદ થયો તે સહિતના મુદ્દે કોઈ ચર્ચા નથી થઈ.
સાંપ્રદાયિક સદ્ભાવ વધારવા યોજના ઘડાઈ
બેઠકમાં મોહન ભાગવત અને મુસ્લિમ બુદ્ધિજીવીઓના જૂથ વચ્ચે સમુદાયો વચ્ચેના સાંપ્રદાયિક સદ્ભાવ અને સુલેહને મજબૂત કર્યા વગર દેશ પ્રગતિ નહીં કરી શકે તે અંગે સહમતિ સધાઈ હતી. બંને પક્ષ દ્વારા સાંપ્રદાયિક સદ્ભાવ અને સમુદાયો વચ્ચેના મતભેદો દૂર કરવાની જરૂરિયાત પર પણ ભાર મુકવામાં આવ્યો હતો. સાથે જ આ પહેલને આગળ વધારવા માટે એક યોજના પણ તૈયાર કરવામાં આવી હતી.
2019માં જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ સાથે બેઠક
ઉપરાંત બેઠકમાં દેશના સમગ્ર કલ્યાણ માટે ગાંધીવાદી દૃષ્ટિકોણના પાલન અંગે પણ ચર્ચા જામી હતી. અગાઉ સપ્ટેમ્બર 2019માં મોહન ભાગવતે જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના સૈયદ અરશદ મદની સાથે સંઘના કાર્યાલયમાં એક બેઠક કરી હતી. તેમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની એકતાને મજબૂત કરવા અને મોબ લિન્ચિંગની ઘટનાઓ સહિતના અનેક મુદ્દે ચર્ચા જામી હતી. આરએસએસના વરિષ્ઠ પદાધિકારી અને ભાજપના પૂર્વ સંગઠન સચિવ રામલાલે બેઠકોનો સમન્વય કર્યો હતો.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધી કહ્યું, ભાજપ-RSSના સિદ્ધાંતો પ્રમાણે દેશને વિભાજિત નહીં થવા દઈએ