મોહન ભાગવતને ચેતવણી : મંદિર-મસ્જિદ મુદ્દે ધર્માચાર્યોનો નિર્ણય અંતિમ
- સાધુ-સંતોએ સંઘ પ્રમુખને લાલ આંખ બતાવતા મામલો ગરમાયો
- સત્તા મેળવવા મંદિર-મંદિર કર્યું, સત્તા મળી ગઈ એટલે મંદિરો નહીં શોધવાની સલાહ આપે છે: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ
- મંદિરો માટે સંઘર્ષ ચાલુ જ રહેશે, પુરાવા હોય તેવા મંદિરો પર વોટથી કે કોર્ટથી પુનઃ કબજો મેળવીશું: જગદ્ગુરુ રામભદ્રાચાર્ય
- સંઘવાળા પહેલાં કહેતા 'જાગો હિન્દુ જાગો', હવે જાગી ગયા તો કહે છે સુઈ જાવ: સોશિયલ મીડિયા પર ટીપ્પણી
નવી દિલ્હી : દેશમાં દરેક મસ્જિદો નીચે મંદિરો શોધવાની જરૂર નથી અને આ રીતે હિન્દુ નેતા બનવાના પ્રયત્નોને સાંખી નહીં લેવાય તેવી ચેતવણી આપતા આરએસએસના સરસંઘચાલક મોહન ભાગત સામે સાધુ સંતો ક્રોધે ભરાયા છે. સાધુ-સંતોના સંગઠન અખિલ ભારતીય સંત સમિતિ (એબીએસએસ)એ મોહન ભાગવતને કહ્યું કે મંદિર-મસ્જિદ ધાર્મિક મુદ્દો છે અને આવા મુદ્દા પર ધર્માચાર્યોનો નિર્ણય જ અંતિમ રહેશે. સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે કહ્યું કે, ભાગવતનું નિવેદન વ્યક્તિગત હોઈ શકે છે. કારણ કે તેઓ સંઘના સંચાલક છે, હિન્દુ ધર્મના નહીં. આ સિવાય જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વારનંદે પણ મોહન ભાગવતની ટીકા કરી હતી.
અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના પછી દેશમાં ધાર્મિક સ્થળો પર નવા વિવાદો ઊભા કરીને કેટલાક લોકો પોતાને 'હિન્દુ નેતા' સ્થાપિત કરવા માગે છે. આ બાબતની મંજૂરી કેવી રીતે આપી શકાય? દરેક મસ્જિદો નીચે મંદિર શોધવાની જરૂર નથી તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું હતું.
મોહન ભાગવતના આ નિવેદન પછી એક સમયે સતત તેમની પડખે ઊભા રહેલા સંત સમાજે તેમને લાલ આંખ બતાવી છે. જગદ્ગુરુ સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે મોહન ભાગવતના નિવેદનને મુસ્લિમોના તુષ્ટીકરણવાળુ ગણાવતા કહ્યું કે, મોહન ભાગવતના નિવેદનોથી તેઓ સહમત નથી. અમે મોહન ભાગવતના અનુશાસક છીએ, તેઓ અમારા અનુશસાક નથી. તેમને હિન્દુ ધર્મ અંગે વધુ માહિતી નથી.
સંભલ વિવાદ પર તેમણે કહ્યું કે મંદિરના મુદ્દે સંઘર્ષ ચાલુ રહેશે. જે કંઈ થઈ રહ્યું છે તે ખરાબ થઈ રહ્યું છે, પરંતુ એ પણ જોવું પડશે કે મંદિર હોવાના પુરાવા મળ્યા છે. અમે તે લઈને જ રહીશું, પછી વોટથી કે કોર્ટથી હિન્દુ મંદિરો પર પુનઃ કબજો મેળવાશે. બીજીબાજુ મોદી સરકાર અને સંઘના કટ્ટર ટીકાકાર મનાતા જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સંઘ પ્રમુખ ભાગવતના નિવેદનને રાજકીય સુવિધા મુજબ નિવેદન આપવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમને સત્તા મેળવવાની હતી ત્યારે તેઓ મંદિર-મંદિર કરતા હતા. હવે સત્તા મળી ગઈ તો મંદિર નહીં શોધવાની સલાહ આપી રહ્યા છે. ભૂતકાળમાં હિન્દુ સમાજ સાથે ખૂબ જ અત્યાચાર થયો છે અને હિન્દુઓના ધર્મસ્થળોને તોડવામાં આવ્યા હતા. હવે હિન્દુ સમાજ તેના મંદિરોનો પુનરુદ્ધાર કરી તેમને સંરક્ષિત કરવા માગે છે. તેમાં કશું ખોટું નથી. હકીકતમાં તો આક્રમણકારીઓએ નાશ કરેલા મંદિરોની યાદી બનાવીને હિન્દુ ગૌરવને પાછું લાવવા માટે આ મંદિરોનું પુનઃ નિર્માણ કરાવવું જોઈએ.
સાધુ-સંતોના સંગઠન અખિલ ભારતીય સંત સમિતિ (એબીએસએસ)ના મહાસચિવ સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે, આવી ધાર્મિક બાબતો પર નિર્ણય ધર્માચાર્યોએ જ લેવો જોઈએ. આરએસએસ સાંસ્કૃતિક સંગઠન છે. ધર્મનો વિષય આવે ત્યારે ધાર્મિક ગુરુઓને તેનો નિર્ણય કરવા દેવા જોઈએ. તેઓ જે નિર્ણય કરશે તેને સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ પણ સ્વીકાર કરશે. તેમણે ઉમેર્યું કે, મોહન ભાગવતે પહેલાં પણ આવા નિવેદનો આપ્યા હતા. તેમના નિવેદન પછી ૫૬ નવા સ્થળો પર મંદિરો મળી આવ્યા છે, જે દર્શાવે છે કે મંદિર-મસ્જિદ મુદ્દામાં કાર્યવાહી જરૂરી છે. સોશિયલ મીડિયા પર પણ મોહન ભાગવતના નિવેદનની ટીકા થઈ રહી છે. એક યુઝરે લખ્યું કે, પહેલા સંઘ પરિવારના લોકો જાગો હિન્દુ જાગોનું આહ્વાન કરતા હતા. હવે હિન્દુ જાગી ગયા છે તો કહે છે કે સુઈ જાવ.