ઈસ્લામ ધર્મમાંથી આપણે શું શીખવું જોઇએ; RSS વડા મોહન ભાગવતે આપી આ સલાહ
Image:Twitter
Mohan Bhagwat : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ઈસ્લામ અને ઈસાઈ ધર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં તેમણે કહ્યું કે, ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ જેવા ધર્મોની ભલાઈ અને માનવતા અપનાવવી જોઈએ. દરેક ધર્મના અનુયાયીઓએ એકબીજાને ભાઈ-બહેન તરીકે માન આપવું જોઈએ.
મોહન ભાગવતે નાગપુરમાં કહ્યું કે, “ભારતીય સમાજ વૈવિધ્યસભર છે, પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે, તે એક સમાજ છે અને તેઓ તેની વિવિધતાને પણ સ્વીકારે છે. બધાએ એક થઈને આગળ વધવું જોઈએ અને એકબીજાની પૂજા પદ્ધતિનો આદર કરવો જોઈએ.
મોહન ભાગવતે શું કહ્યું?
મોહન ભાગવતે કહ્યું કે, હજારો વર્ષોથી ચાલી રહેલા અન્યાયને કારણે લોકો વચ્ચે અંતર છે. આક્રમણકારી ભારતમાં આવ્યા અને તેમની વિચારધારા પોતાની સાથે લઈને આવ્યા, જેને કેટલાક લોકોએ અનુસર્યા, પરંતુ આ સારી વાત છે કે, આ વિચારધારાથી દેશની સંસ્કૃતિને કોઈ અસર થઈ નથી.
જાતિવાદ વિશે શું કહ્યું?
ભાગવતે કહ્યું કે, દરેક વ્યક્તિએ એમ માનીને આગળ વધવું જોઈએ કે, આ દેશ આપણો છે અને આ ધરતી પર જન્મેલા તમામ લોકો આપણા પોતાના છે. ભૂતકાળને ભૂલીને દરેકને પોતાના તરીકે સ્વીકારવું જોઈએ.
ભાગવતે વધુમાં કહ્યું કે, જાતિવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવો જોઈએ. તેમણે RSSના અધિકારીઓને સમાજમાં સામાજિક સમરસતા માટે કામ કરવા કહ્યું.