‘ભારતને નષ્ટ કરવાની કોઈની તાકાત નથી’, બાંગ્લાદેશ સંકટ વચ્ચે મોહન ભાગવતનો ચેતવણી ભર્યો મેસેજ
Mohan Bhagwat On Sanatan Dharm : બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. દેશમાં ચાલી રહેલી આ સ્થિતિએ હવે આર્થિક સંકટનું સ્વરૂપ ધારણ કર્યું છે. દુનિયાભરની ઘણી કંપનીઓ બાંગ્લાદેશમાંથી પોતાનો કારોબાર આટોપવા લાગી છે. પરિણામે દેશની અર્થવ્યવસ્થા ખોખલી બની રહી છે. ત્યારે આ સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, બાંગ્લાદેશની ડૂબતી અર્થવ્યવસ્થા, સાંપ્રદાયિકતા અને દેશમાં એકતા તૂટવાની અસર ભારતમાં પણ જોવા મળી શકે છે.
ભારતને નષ્ટ કરવાની કોઈની તાકાત નથી, ભારત શાશ્વત છે
મોહન ભાગવતે મંગળવારે બાલનાથ આશ્રમમાં ચાલી રહેલા મહામૃત્યુંજય મહાયજ્ઞમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, "ભારતને નષ્ટ કરવાની કોઈની તાકાત નથી, ભારત માત્ર એક જમીનનો ટુકડો નથી, ભારત શાશ્વત છે, ભારત સનાતન ધર્મ સાથે છે, ભારતમાં સનાતન ધર્મ છે."
નબળા વર્ગના ઉત્થાન માટે બતાવી ફોર્મ્યુલા
આ કાર્યક્રમમાં મોહન ભાગવતે દેશના નબળા વર્ગના ઉત્થાનના મહત્ત્વ વિશે વાત કરી હતી. મોહન ભાગવતે કહ્યું કે, "આપણે બધાએ સમાજના પછાત ગરીબ ભાઈઓની પ્રગતિ માટે પ્રયત્નો કરવા જોઈએ. આપણી પાસે જે કંઈ છે તે દાન કરીને આપણે તેમનું ભલું કરવું જોઈએ."