RSSની ભાજપ પરની ટિપ્પણીઓએ યાદ અપાવ્યો વાજપેયી-સુદર્શનનો યુગ, ત્યારે સંબંધ વણસ્યા હતા
RSS chief mohan bhagwat indresh kumar statement: લોકસભા ચૂંટણી 2024ના પરિણામ બાદ RSS અને BJP વચ્ચે તણાવના સમાચાર આવી રહ્યા છે. પહેલા સંઘ પ્રમુખ મોહનજી ભાગવતનું નિવેદન ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યાર બાદ હવે ફરી એક આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારનું નિવેદન સામે આવ્યું છે. જેનાથી સંકેત મળે છે કે, આરએસએસ અને ભાજપ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું.
મોહન ભાગવતે શું કહ્યું?
RSSના વડા મોહનજી ભાગવતે ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરતાં કેટલાક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો. આ એવા મુદ્દા હતા કે, જેના પર RSSએ ક્યારેય ખુલીને ટિપ્પણી કરી ન હતી અને ન તો ભાજપ તરફથી કોઈ વધારે ચર્ચા કરવામાં આવી હતી. ભાગવતે કહ્યું, 'જે મર્યાદાનું પાલન કરીને કામ કરે છે, તેઓ ગર્વ કરે છે, પરંતુ અહંકાર નથી કરતાં તેજ સાચા અર્થમાં સેવક કહેવાના હકદાર છે...' તેમણે મણિપુર હિંસાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આખા વર્ષથી ત્યાં તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. બંદૂક સંસ્કૃતિ (ગન કલ્ચર) ખતમ થઈ ગયું હતું, પરંતુ ફરી હિંસાના માર્ગે શરૂ થઈ ગયો છે. એ બાજુ કોણ ધ્યાન આપશે? આના પર પ્રાથમિકતાથી વિચાર કરવો જોઈએ.
સંઘ પ્રમુખે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સર્વસંમતિ અને સમન્વયની વાત કરતાં કહ્યું કે, વિપક્ષને વિરોધી નહીં પણ પ્રતિપક્ષી કહેવા જોઈએ. તેઓ (વિપક્ષ) અમારા વિરોધીઓ નથી, પરંતુ અમારો બીજો પક્ષ છે. નાગપુરમાં આયોજિત દ્વિતીય વર્ગ શિબિરમાં આપવામાં આવેલા ભાગવતના આ નિવેદનમાંથી વિવિધ અર્થ કાઢવામાં આવી રહ્યા છે. એક વર્ગે તેને ભાજપ પર ટિપ્પણી તરીકે જોયો. હજુ ભાગવતના નિવેદન પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે ઈન્દ્રેશ કુમારનું નિવેદન સામે આવ્યું છે.
ઈન્દ્રેશ કુમારે શું કહ્યું?
RSS નેતા ઈન્દ્રેશ કુમારની ટિપ્પણી વધુ ધારદાર હતી. તેમણે કહ્યું, '2024માં રામ રાજ્યનું બંધારણ જુઓ. જેમા રામની ભક્તિ હતી, તેઓ ધીમે ધીમે અહંકાર આવી ગયો અને 240 બેઠકો પર જ રોકાઈ જવું પડ્યું. જેમણે રામનો વિરોધ કર્યો, તેમાથી કોઈને રામે સત્તા આપી નથી. કહ્યું કે તમારી અનાસ્થાની આ સજા છે, કે તમે સફળ નહીં થઈ શકો..'' ઈન્દ્રેશ કુમારે અયોધ્યાથી ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહ પર પણ કટાક્ષ કર્યો. એક રીતે તેમણે સીધે- સીધુ ભાજપ પર નિશાન સાધ્યું હતું. જેમાં લોકસભા ચૂંટણીમાં 240 જ બેઠકો મેળવતા પોતાના દમ પર સરકાર બનાવવા બહુમતી સુધી પહોંચી ન શકી.
હંગામો થાય તો યુ-ટર્ન
ઈન્દ્રેશ કુમારના નિવેદન પર હોબાળો થયો અને જ્યારે સંઘે પીછેહઠ કરી તો તેઓએ યુ-ટર્ન લીધો. પોતાના નિવેદનનો બચાવ કરતા તેમણે કહ્યું કે, 'દેશનું વાતાવરણ એવું છે કે જેઓ રામનો વિરોધ કરતા હતા તેઓ સત્તામાંથી બહાર થઈ ગયા હતા અને જેઓ રામ સાથે હતા તેઓ સત્તામાં આવ્યા હતા...' લોકસભાની ચૂંટણી પછી માત્ર મોહન ભાગવત કે ઈન્દ્રેશ કુમારે જ કોઈ તક આપી ન હતી. પરંતુ આરએસએસનું મુખપત્ર કહેવાતા 'ઓર્ગેનાઇઝર' મેગેઝિને લખ્યું, 'ચૂંટણીના પરિણામો ભાજપના અતિશય આત્મવિશ્વાસ ધરાવતા નેતાઓ માટે અરીસા જેવા છે. કોઈએ લોકોનો અવાજ ન સાંભળ્યો....' આ લેખ સંઘના સભ્ય રતન શારદાએ લખ્યો હતો.
છેલ્લા 10 વર્ષમાં આ પહેલીવાર છે, જ્યારે આરએસએસ આ રીતે ભાજપ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યું છે. સલાહ આપી રહ્યું છે. ઘણા લોકો 2004ના યુગને યાદ કરી રહ્યા છે. તે યુગ કે.એસ.સુદર્શન અને અટલ બિહારી વાજપેયીનો હતો. તે સમયે સંઘ અને ભાજપ વચ્ચેના સંબંધો અત્યાર સુધીના સૌથી નાજુક તબક્કે હતા.
કે.એસ.સુદર્શન અને વાજપેયી યુગ
સંઘના ભૂતપૂર્વ વડા કે.એસ.સુદર્શને ખુલ્લેઆમ ભાજપની ટીકા કરતાં કહ્યું હતું કે, 'કોઈ કામ સંઘથી મોટું ન હોઈ શકે અને સંઘથી વધુ કોઈ કાર્ય મહત્ત્વનું ના હોઈ શકે...' 2005માં એક ઈન્ટરવ્યુમાં તેમણે અટલ બિહારી વાજપેયીને નિષ્ક્રિય કહ્યા હતા અને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની સલાહ પણ આપી હતી. તે સમયે વાજપેયી ભલે સંઘને પોતાનો આત્મા કહેતા હોય, પરંતુ સંઘ અને તેની સાથે જોડાયેલી તમામ સંસ્થાઓના નેતાઓ તેમના પર ખુલ્લેઆમ પ્રહારો કરી રહ્યા હતા.
ઉદાહરણ તરીકે, આરએસએસમાંથી ભાજપમાં જોડાયેલા ગોવિંદાચાર્યએ અટલ બિહારી વાજપેયીને બે ચહેરાવાળા પણ કહ્યા હતા. બંનેની નારાજગી એટલી વધી ગઈ કે ગોવિંદાચાર્યએ કથિત રીતે એમ પણ કહ્યું કે, કાં તો વાજપેયી ભાજપમાં રહે અથવા તેઓ રહેશે. બાદમાં ગોવિંદાચાર્યે 'સ્ટડી લીવ' લઈને ભાજપાને છોડી દીધી હતી. ત્યારથી એક રીતે સાઈડલાઈન પર છે.
શું 2004નો યુગ પાછો ફરી રહ્યો છે?
સંઘને નજીકથી સમજનારા રાજકીય વિશ્લેષક કહે છે કે, 2004 પહેલા સંઘ જે રીતે ભાજપ પર પ્રહારો કરતુ હતું, તે સંકલનના અભાવને કારણે હતું. વાજપેયી પછી જ્યારે કેન્દ્રમાં મોદી સરકાર આવી તો પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. જો છેલ્લા 10 વર્ષોને યાદ કરીએ તો ભાગ્યે જ કોઈ એવો પ્રસંગ હશે, જ્યારે RSSના કોઈ નેતાએ ભાજપ પર કોઈ ટિપ્પણી કરી હોય. તેના બદલે તેઓ સાથે ચાલતા જોવા મળ્યા હતા. સંઘ અને ભાજપ વચ્ચે સતત સંકલન બેઠકો યોજાઈ. પરંતુ તાજેતરના સમયમાં સંકલન ઘટ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. તેનું ઉદાહરણ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના નિવેદન પરથી મળે છે. વધુમાં તેમના નિવેદન પછી પીએમ મોદીએ પણ કોઈ ખુલાસો ન કર્યો.
નિવેદનનો ડંખ?
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, 'હવે અમને (ભાજપ)ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જરૂર નથી. ભાજપ પોતાની રીતે રાજકીય નિર્ણયો લેવા સક્ષમ છે...' નડ્ડાના નિવેદન પર સંઘ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. પરંતુ આ વાતથી તમામ નેતાઓ ભારે નારાજ હોવાનું કહેવાય છે. સ્વયંસેવકોને ઠેસ પહોંચી હતી. ચૂંટણી પરિણામો બાદ સંઘ તરફથી આવી રહેલા નિવેદનોને પણ પ્રતિક્રિયા તરીકે જોવામાં આવી રહ્યા છે.