RSS પણ જાતિ આધારિત વસતી ગણતરી માટે તૈયાર, પરંતુ રાજકીય પક્ષોને આપી મહત્ત્વની સલાહ
RSS Caste census: ભારતમાં જાતિ આધારિત વસતી ગણતરી મુદ્દે છેલ્લા કેટલાક સમયથી રાજકીય ધમાસાણ મચ્યું છે. કોંગ્રેસ સહિતના ઇન્ડિયા ગઠબંધન દ્વારા જાતિગત વસતી ગણતરીને મોટો મુદ્દો બનાવાઈ રહ્યો છે ત્યારે એનડીએના ભાજપના જ સાથી પક્ષો પક્ષ આ વસતી ગણતરી માટે સરકારને વિચારવા અનુરોધ કરી રહ્યા છે. જો કે સૌથી મોટી વાત એ છે કે ભાજપની કમાન હાથમાં રાખનાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પણ હવે જાતિ આધારિત વસતી ગણતરી માટે સંમતિ દર્શાવતા મોદી સરકાર પર દબાણ વધશે.
કેરળમાં આયોજિત RSSની ત્રિદિવસીય બેઠકમાં RSSએ જાતિની વસ્તી ગણતરી અને મહિલા સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર મહત્ત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. સંસ્થાએ સમાજની એકતા અને અખંડિતતા જાળવવા જાતિ ગણતરી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે મહિલાઓની સુરક્ષા માટે નવા કડક પગલાં લેવાનો હુંકાર ભર્યો છે.
RSSએ શું કહ્યું?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જાતિગત ગણતરીને એક સંવેદનશીલ મુદ્દો ગણાવતાં કહ્યું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી સમાજની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકી શકે છે. તમામ રાજકીય પક્ષોને સલાહ આપી કે જાતિગત વસ્તી ગણતરીનો ઉપયોગ રાજકીય સત્તા પ્રચાર અને ચૂંટણી હેતુઓ માટે થવો જોઈએ નહીં, પરંતુ કલ્યાણકારી હેતુઓ માટે અને ખાસ કરીને દલિત સમુદાયની સંખ્યા જાણવા માટે કરી શકાય છે.
RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું કે જાતિ સંબંધિત પ્રતિક્રિયાઓ આપણા સમાજમાં એક સંવેદનશીલ મુદ્દો છે અને તે રાષ્ટ્રીય એકતા માટે મહત્ત્વપૂર્ણ છે. લોકહિત, લોકકલ્યાણ યોજનાઓના ઘડતર માટે જાતિ પ્રમાણે સંખ્યા જાણવા માટે સરકારને તેમની સંખ્યા ગણવાનો અધિકાર છે.
કોલકાતાની ઘટનાને વખોડી :
પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના અંગે પણ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. RSSએ મહિલાઓની સુરક્ષા માટે મહિલા કાયદામાં સુધારો કરીને કડક કરવાની સમાજની માનસિકતા સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા છે. કાયદાકીય, જાગૃતિ, મૂલ્યો, શિક્ષણ અને સ્વ-બચાવનો સમાવેશ કરતાં પાંચ મોરચે મહિલા સુરક્ષાની ચર્ચા કરવામાં આવી હતી. આ મોરચે RSS દ્વારા મહિલા સુરક્ષા અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય બાંગ્લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓના મુદ્દાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સરકારને આ અંગે પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.
અંતે, RSSએ અહલ્યાબાઈની 300મી જન્મજયંતિ ઉજવવાનું નક્કી કર્યું અને સંગઠનના 100 વર્ષ પૂરા થવાને ચિહ્નિત કરવા પંચ પરિવર્તન હેઠળ સામાજિક પરિવર્તન માટે કામ કરવાનું આયોજન કર્યું છે.