40 દિવસમાં પત્નીનું કેન્સર મટાડ્યાનો દાવો કરી નવજોત સિદ્ધુ ફસાયા, 850 કરોડની નોટિસ ફટકારાઈ
- નવજોત સિદ્ધુને લિમડાના પાન, હળદર, તુલસી, લિંબુના ડાયેટથી પત્નિની કેન્સર દૂર કર્યાના વૈજ્ઞાનિક પુરાવા આપવા પડકાર
Navjot singh Siddhu News | ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ નવજોતસિંહ સિદ્ધુ આયુર્વેદિક રીતે લિંબુ, હળદર, તુલસી જેવા ઘરેલુ ઓસડીયાની મદદથી પત્ની નવજોતકૌરની કેન્સરની બીમારી માત્ર 40 દિવસમાં દૂર કરવાનો દાવો કરીને વિવાદમાં સપડાયા છે. આ દાવાના પગલે છત્તીસગઢ સિવિલ સોસાયટીએ તેમને રૂ. 850 કરોડની નોટિસ ફટકારી છે, જેમાં તેમને ૪૦ દિવસમાં તેમના દાવાઓ અંગે ખુલાસો કરવા જણાવાયું છે. સિદ્ધુના આ દાવાથી લોકોનો એલોપથી પરથી વિશ્વાસ ઊઠી રહ્યો હોવાનું સિવિલ સોસાયટીનું કહેવું છે.
છત્તીસગઢ સિવિલ સોસાયટીના સંયોજક ડૉ. કુલદીપ સોલંકીએ જણાવ્યું કે, નવજોતસિંહ સિદ્ધુએ પત્ની નવજોતકૌર સિદ્ધુની ચોથા સ્ટેજના કેન્સરની બીમારી લિંબુ પાણી, હળદર, વિવિધ દાળના પાણી જેવા ડાયેટથી માત્ર ૪૦ દિવસની અંદર દૂર કરી હોવાનો દાવો કર્યો છે. સિદ્ધુનો આ દાવો કેન્સરના દર્દીઓમાં ભ્રમની સ્થિતિ ઊભી કરી રહ્યો છે. તેના કારણે લોકોનો એલોપથી દવાઓ પરથી વિશ્વાસ ઊઠી રહ્યો છે.
નવજોતસિંહ સિદ્ધુના પત્ની નવજોતકૌર સિદ્ધુ વર્ષ 2022થી કેન્સરની બીમારીથી પીડિત હતાં. નવજોતસિંહ સિદ્ધુ એમ પણ કહે છે કે તેમની પત્નીને કેન્સર થયાનું નિદાન થયું ત્યારે તેઓ જેલમાં હતા. નવજોતકૌરને ચોથા સ્ટેજમાં કેન્સરનું નિદાન થયું હતું. આ સ્ટેજમાંથી તેઓ પાછાં આવ્યાં અને થોડાક સમય પહેલાં ડોક્ટરોએ નવજોતકૌર કેન્સરમુક્ત હોવાનું જણાવ્યું હતું.
હકીકતમાં નવજોતસિંહ સિદ્ધુએ થોડાક સમય પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, હવે મારી પત્ની નવજોતકૌર સિદ્ધુ કેન્સરથી આઝાદ થઈ ગઈ છે. ડૉક્ટરોએ કહ્યું હતું કે તેમના બચવાની માત્ર ત્રણ ટકા શક્યતા છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, મેં આ પ્રેસ કોન્ફરન્સ એટલા માટે યોજી હું જણાવી શકું કે નવજોત ૪૦ દિવસમાં કેન્સરનો જંગ કેવી રીતે જીતી ગયાં. તે સમયે હું રોજ ચાર-ચાર, પાંચ-પાંચ કલાક કેન્સર અંગે વાંચતો હતો. અનેક લોકો મને પૂછે છે કે તમારી પાસે તો કરોડો રૂપિયા છે, પરંતુ સામાન્ય માણસ કેવી રીતે કેન્સરની સારવાર કરાવે?
તેમણે કહ્યું કે, લિમડાના પાંદડાના કેટલા રૂપિયા થાય? કાચી હળદરના કેટલા રૂપિયા થાય? તુલસીના કેટલા રૂપિયા થાય? લિંબુ અને વિનેગરના કેટલા રૂપિયા થાય? આ ચાર-પાંચ વસ્તુઓની મદદથી કેન્સરને હરાવી શકાય છે. કેન્સર દૂર કરવા કાર્બોહાઈડ્રેટ, રિફાઈન્ડ, સમોસા, જલેબી, મેંદો વગેરેથી દૂર રહેવું જોઈએ. સિદ્ધુના જણાવ્યા મુજબ લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને લીમડાના પાંદડા, હળદર, લિંબુ અને તુલસીથી ૪૦ દિવસમાં કેન્સરને હરાવી શકાય છે. કેન્સર દૂર કરવા માટે લોકોને આવી સલાહ આપતા નવજાતસિંહ સિદ્ધુ વિવાદોમાં સપડાયા છે.
કોંગ્રેસ નેતાના આ નિવેદનથી મેડિકલ ક્ષેત્રમાં હોબાળો મચી ગયો હતો. કેન્સરની સારવાર માટે મુંબઈ સ્થિત વિશ્વવિખ્યાત ટાટા મેમોરિયલ હોસ્પિટલના પૂર્વ અને વર્તમાન ડૉક્ટરો સહિત કુલ ૨૬૨ કેન્સર નિષ્ણાતોએ એક અવાજમાં કહ્યું હતું કે સિદ્ધુએ તેમના દાવાના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા નથી. તેમણે ઉમેર્યું કે કેટલીક વસ્તુો પર સંશોધન જરૂર થઈ રહ્યું છે, પરંતુ હાલમાં એન્ટી કેન્સર તત્વ તરીકે તેના ઉપયોગની ભલામણ કરવા માટે કોઈ ક્લિનિકલ ડેટા ઉપલબ્ધ નથી.
છત્તીસગઢ સિવિલ સોસાયટીના ડૉ. સોલંકીએ કહ્યું કે, નવજોતસિંહ સિદ્ધુના ડાયેટ અંગેના દાવાઓથી દેશ-વિદેશમાં કેન્સર દર્દીઓમાં અસ્પષ્ટતાની સ્થિતિ અને એલોપથી દવાઓ અંગે આશંકા પેદા થઈ ગઈ છે. સિદ્ધુ સાત દિવસમાં તેમના નિવેદન પર માફી નહીં માગે અથવા વૈજ્ઞાનિકરૂપે પ્રમાણિત દસ્તાવેજો રજૂ નહીં કરે તો તેઓ કોર્ટનો દરવાજો ખખડાવશે. તેમણે સિદ્ધુ પર રૂ. ૮૫૦ કરોડનો ક્ષતિપૂર્તિનો દાવો કર્યો છે.
સિદ્ધુને ખોટી રીતે નિશાન બનાવાયા
નવી દિલ્હી : નવજોતસિંહ સિદ્ધુએ થોડાક દિવસ પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે તેમના પત્ની નવજોતકૌર સિદ્ધુ હવે કેન્સરથી મુક્ત થઈ ગયા છે. આ પ્રેસ કોન્ફરન્સ મુદ્દે નવજોતસિંહ સિદ્ધુને ખોટી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા સિદ્ધુએ ક્યાંય એલોપથી ખરાબ છે તેવો દાવો કર્યો નથી. તેમણે માત્ર પત્નીનું ડાયેટ શું રાખ્યું હતું તેની માહિતી આપી છે અને લોકોને સરળ જીવનશૈલી અને ડાયેટને અનુસરવાની ભલામણ કરી છે. આમ છતાં, એલોપથીનું સમર્થન કરનારા ડોક્ટરો નવજોતસિંહ સિદ્ધુની આકરી ટીકા કરી રહ્યા છે અને તેમને ખોટા વિવાદમાં ઢસડી રહ્યા છે. કેન્સરની સારવાર માટે એલોપથીનો માર્ગ પસંદ કરવો કે આયુર્વેદિક સારવાર કરાવવી તે તો દર્દી કે તેનો પરિવાર જ નક્કી કરતો હોય છે ત્યારે નવજોત પર આક્ષેપો મુકવા હાસ્યાસ્પદ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.